Gujarati News

Gujarati News

News of Monday, 15th August 2022

ઓસ્ટ્રેલિયાના કેનબરા એરપોર્ટ પર થયેલ અંધાધૂંધ ફાયરિંગ કરનાર હુમલાખોરની ધરપકડ કરવામાં આવી

નવી દિલ્હી: ઑસ્ટ્રેલિયાના કેનબરા એરપોર્ટ પર રવિવારે બપોરે એક વ્યક્તિએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. જોકે, આ હુમલામાં કોઈ જાનહાની થઈ નથી કે કોઈને ઈજા થયાના અહેવાલ નથી. ગોળીબાર પછી ટર્મિનલના કેટલાક ભાગને બંધ કરી દેવાયો હતો તેમજ થોડાક સમય માટે બધા જ ઉડ્ડયનો રદ કરી દેવાયા હતા. હુમલાખોરની ધરપકડ કરી લેવાઈ છે. પોલીસે જણાવ્યું હતું કે, ઓસ્ટ્રેલિયાની રાજધાની કેનબરાના એરપોર્ટ પર ગોળીબારની આ ઘટનામાં એક જ વ્યક્તિ સંડોવાયેલ હતી. જોકે, ગોળીબારનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. હુમલાખોર પાસેથી એક ગન જપ્ત કરાઈ છે. પોલીસ આ ઘટનાના સીસીટીવી ફૂટેજ તપાસી રહી છે. એસીટી પોલીસે કહ્યું કે, મુખ્ય ટર્મિનલવાળી ઈમારતમાં બપોરે લગભગ દોઢ વાગ્યે ગોળીઓ છૂટવાનો અવાજ સંભળાયો હતો. ગોળીબારના કારણે લોકોએ જીવ બચાવવા આમ-તેમ ભાગદોડ કરી હતી. જોકે, આ હુમલામાં કોઈ ઘાયલ થયું નથી. પોલીસે જણાવ્યું કે, ગોળીબારની ઘટના પછી તકેદારીના ભાગરૂપે ટર્મિનલ ખાલ કરાવાયું હતું અને બધા જ ઉડ્ડયનો રદ કરી દેવાયા હતા. હાલ સ્થિતિ નિયંત્રણ હેઠળ છે. જોકે, થોડાક કલાકો પછી ઉડ્ડયન સેવા ફરી શરૂ કરાઈ હતી. એરપોર્ટ ઓથોરિટીએ આ અંગે ટ્વીટ કરીને લોકોને માહિતી આપી હતી. સોશિયલ મીડિયા પર વાઈરલ વીડિયોમાં એરપોર્ટની અંદર પોલીસ એક વ્યક્તિની અટકાયત કરતી જોવા મળે છે.

(3:01 pm IST)