Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

40ની વય વટાવ્યા બાદ 7 કલાકની ઊંઘ બને છે ફાયદારૂપ

નવી દિલ્હી: સારા સ્વાસ્થ્ય માટે આઠ કલાકની ઊંઘની ફૉમ્યુલા એટલી સચોટ નથી, જેટલી અત્યાર સુધી માનવામાં આવતી હતી. મૂળે, ઊંઘની અવધિનો સંબંધ ઉંમરની સાથે પણ હોય છે. કેમ્બ્રિજ યુનિવર્સિટી અને શાંઘાઈની ફૂડન યુનિવર્સિટીના રિસર્ચમાં સામે આવ્યું કે 40થી લઈને 75 વર્ષની ઉંમરના લોકો માટે 7 કલાકની ઊંઘ સૌથી ફાયદારૂપ હોય છે. 50 હજારથી વધુ લોકો પર કરવામાં આવેલા રિસર્ચમાં જાણવા મળ્યું કે ઓછી ઊંઘ અને હદથી વધારે ઊંઘ, બંને માનસિક સ્વાસ્થ્ય પર નકારાત્મક પ્રભાવ કરે છે. દર રાત્રે 7 કલાકની ઊંઘમાં નિરંતરતા જરૂરી છે. એક રાત્રે 9 કલાકની ઊંઘ લીધી અને બીજી રાત્રે 7 કલાકની ઊંઘ લીધી જે ખોટું છે. બ્રેન ફૉગ જેવી બીમારી પણ યોગ્ય નીદર ન લેવાના કારણે શરૂ થાય છે. તેનાથી રાત્રે ઘેરી ઊંઘ ન લીધા બાદ સવારે થાક અનુભવાય છે. મગજના મેમરી સેન્ટર એટલે કે હિપ્પોકેમ્પસ પણ જરૂરથી ઓછી અને વધુ ઊંઘ લેવાથી પ્રભાવિત થાય છે. જોકે, વિજ્ઞાની હજુ તેની શોધમાં લાગેલા છે કે વધુ ઊંઘ લેવાનો પ્રભાવ પણ ઓછી ઊંઘ લેવાના પ્રભાવો જેવા હોય છે. હેલ્થ સર્વિસ એનએચએસ અનુસાર બ્રિટનમાં દર ત્રણ વયસ્કોમાંથી એકને અનિદ્રાની સમસ્યા છે. તેમાં આધેડ અને વૃદ્ધોની સંખ્યા વધુ છે. સર્કેડિયન રિધમ એક્સપર્ટ ડૉ. ગ્રેગ પૉટર કહે છે કે જે લોકો ઓછી ઊંઘ લે છે, તેમનામાં મેદસ્વિતા, હૃદયરોગ અને ડાયાબિટીસ હોવાની શક્યતા વધુ હોય છે. લાંબી ઊંઘ લેનારાઓને પણ કંઈક આવી જ બીમારીઓનો શિકાર થવું પડે છે.

 

(5:45 pm IST)