Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

ઓએમજી.......સિયાચીન ગ્લેશિયરમાં 38 વર્ષ બાદ બરફમાંથી જવાનનો મૃતદેહ મળી આવ્યો

નવી દિલ્હી: સિયાચીન ગ્લેશિયરમાં 38 વર્ષ પહેલા હિમસ્ખલનમાં દટાયેલા જવાનનો મૃતદેહ મળી આવ્યો છે. 1984ની સાલમાં બરફમાં દટાયેલા એક ભારતીય જવાનની લાશ હવે મળે તેને પણ કુદરતના એક અજીબ ચમત્કાર સમાન ગણી શકાય. 38 વર્ષથી બરફ નીચે લાશ દટાયેલી રહી અને હવે તે ઉઘાડી પડી તેવી એક કરુણ ઘટના સિયાચીન ગ્લેશિયરમાં સામે આવી છે. સિયાચીન ગ્લેશિયરમાં હિમસ્ખલનમાં દટાઈને મોતને ભેટેલા લાંસ નાયક ચંદ્રશેખર હર્બોલાનો નશ્વર દેહ 38 વર્ષ બાદ મળી આવ્યો છે. 1984ની સાલમાં સિયાચીનમાં આવેલા બરફના ભયાનક તોફાનમાં 19 જવાનો દટાયા હતા અને તે વખતે એક પણ જવાનનો મૃતદેહ મળ્યો નહોતો, તમામ જવાનને શહીદ જાહેર કરાયા હતા.

મૂળ ઉત્તરાખંડના અલ્મોડા જિલ્લાના રાણીખેત તહસીલ હેઠળના બિંટા હાથીખુર ગામના રહેવાસી લાન્સ નાયક ચંદ્રશેખર હરબોલા 1971માં કુમાઉ રેજિમેન્ટમાં જોડાયા હતા. મે, 1984માં બટાલિયન લીડર લેફ્ટનન્ટ પી.એસ.પુંડીરની આગેવાની હેઠળ 19 જવાનોની એક ટુકડી ઓપરેશન મેઘદૂત માટે રવાના થઈ હતી. 29 મેના રોજ ભારે હિમસ્ખલનથી આખી બટાલિયન બરફના તોફાનમાં દટાઈ ગઈ હતી. આ તમામ જવાનને શહીદ જાહેર કરાયા હતા. બરફના તોફાનમાં દટાયેલી ટૂકડીમાં લાંસ નાયક ચંદ્રશેખર હર્બોલા પણ સામેલ હતા જેમનો મૃતદેહ હવે બરફમાંથી મળ્યો છે.

(4:06 pm IST)