Gujarati News

Gujarati News

News of Monday, 17th May 2021

પરસ્ત્રી સાથેના સબંધે ખુલાસો માગતા પત્ની પર પતિનો હુમલો

દંપતીનું ૨૯ વર્ષનું લગ્નજીવન ભંગાણના આરે : કેનેડાની ઘટનામાં અમદાવાદ શહેરના રાણીપ વિસ્તારના શખ્સને સ્વદેશ પરત મોકલવાની કાર્યવાહી શરૂ કરાઈ

ટોરેન્ટો, તા. ૧૭ : આડાસંબંધમાં અત્યાર સુધીમાં અનેક પરિવારોનો માળો વિખેરાઈ ગયો છે. અમદાવાદના રાણીપના કેનેડાના પીઆર ધરાવતાં એક કપલનું ૨૯ વર્ષના સંસાર બાદ લગ્ન જીવન ભંગાણના આરે છે. ૫૭ વર્ષીય પુરુષને તેનાથી ૨૦ વર્ષ નાની યુવતી સાથે કેનેડામાં સંબંધ બંધાયા હતા. વાતની જાણ પત્નિને થતાં તેણે પતિ પાસે ખુલાસો માંગ્યો હતો. જે બાદ પતિએ ઉશ્કેરાઈ જઈને છરીથી હુમલો કર્યો હતો. જેને લઈ સારવાર કરાવવી પડી હતી. કેનેડા પોલીસે પતિની ધરપકડ કરીને ત્રણ વર્ષની સજા ફટકારી હતી. તેને પરત અમદાવાદ મોકલવાની કાર્યવાહી શરૂ કરી છે.

૫૭ વર્ષીય સુરેશકુમાર પટેલના લગ્ન ૨૯ વર્ષ પહેલા થયા હતા. લગ્ન જીવનમાં ૨૭ વર્ષથી દીકરી અને એક પુત્ર છે. દીકરી પરણીક છે. દંપતી કેનેડાના પીઆર ધરાવતું હોવાથી ત્યાં સ્થાયી હતું. સુરેશકુમારને કેનેડાની એક યુવતી સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. જેની જાણ પત્નિને થતાં પતિને વાત કરતાં બંને વચ્ચે બોલાચાલી થયા બાદ છરીથી હુમલો કર્યો હતો. જેમાં પત્નિ ઘાયલ થઈ હતી. સ્થાનિક પોલીસના જણાવ્યા મુજબ પત્ની પર હુમલો કરનારા પતિનો કોઈ ગુનાહિત ભૂતકાળ નથી.

શુક્રવારે કોર્ટમાં થયેલી સુનાવણી મુજબ, જસ્ટિસ કેથરિન ડોસને કહ્યું, પટેલે ત્રણ વર્ષની સજામાંથી મોટાભાગનો સમય વીતાવી દીધો છે. તેની પાસે હવે સજા કાપવાના ૧૪૪ દિવસ બચ્યા છે. તેણે ૨૯ વર્ષ પહેલા લગ્ન કર્યા હતા અને એપ્રિલ, ૨૦૧૯થી પતિ-પત્નિ અલગ રહેતા હતા. મહિલા તે બાદ ભારત ગઈ હતી પરંતુ પરિવારન સભ્યોને મળવા પરત ફરી હતી. પટેલે તેની પાસેથી પૈસાની માંગણી કરી હતી. જે બાદ રકઝક થતાં હુમલો કર્યો હતો.

હુમલા બાદ મહિલાએ તેની દીકરીને ફોન કરીને મદદ માંગી હતી. જે બાદ તેની દીકરી અને બે અન્ય લોકો પહોંચ્યા હતા અને પોલીસ  તથા ઈએમએસની ટીમ આવી ત્યાં સુધી ઘાને દબાવી રાખ્યો હતો.

(7:18 pm IST)