Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

જર્મનીના યુદ્ધ વિમાનોએ માત્ર 24 કલાકમાં 12હજાર 800 કિલોમીટરનું અંતર કાપ્યું હોવાની માહિતી

નવી દિલ્હી: જર્મનીના યુરો-ફાયટર નામક યુદ્ધ વિમાનો ન્યુબર્ગ એન દર ડોનાવ સ્થિત ન્યુબર્ગ એર-બેઈઝ ઉપરથી સોમવાર તા. ૧૫મી ઓગસ્ટે ઉપડયા હતાં. તેઓએ માત્ર ૨૪ કલાકમાં જ ૧૨,૮૦૦ કી.મી. (૮,૦૦૦ માઈલ) કાપી ૧૬મી ઓગસ્ટે મેરેથોન-ફલાઇટ પછી સિંગાપુર એરબેઝ ઉપર ઉતરાણ કર્યું હતું અને મંગળવારે તે તેરે-તેર વિમાનો (યુદ્ધ વિમાનો) ઓસ્ટ્રેલિયા જવા રવાના થયાં હતાં.તાજેતરના સમયમાં કોઈપણ ફાઇટર જેટે આટલા ઓછા સમયમાં આટલું અંતર સત્તાવાર ઉડાનમાં કાપ્યું હોવાનું જણાયું નથી. ઇન્ડો-પેસિફિક વિસ્તારમાં પોતાની ઉપસ્થિતિ મજબૂત કરવા જર્મનીએ તેના ૧૩ ફાયટર-જેટસ ઓસ્ટ્રેલિયા મોકલી દીધા છે. ચીન સાથે વધી રહેલ તંગદિલીને અનુલક્ષીને પશ્ચિમના દેશો દ્વારા હાથ ધરાનાર 'રેપિડ પેસિફિક ૨૦૨૨' નામક કવાયતમાં ભાગ લેવા માટે આ યુદ્ધ વિમાનો ઓસ્ટ્રેલિયા પહોંચી ગયા છે. ઉલ્લેખનીય છે કે આ જર્મની તે જ જર્મની છે કે જેણે કેટલાક મહિનાઓ પૂર્વે ચીન પ્રત્યેના પશ્ચિમના દેશોનાં કઠોર વલણ અને ચીનની તાઈવાન પ્રત્યેની હરકતોને લીધે લાદેલા કેટલાક વ્યાપારી પ્રતિબંધોમાં જોડાવાનો જર્મનીએ ઇનકાર કર્યો હતો, કારણ કે તેનાં વ્યાપારી હિતો, ચીન સાથે સંકળાયેલા હતા. તેમ છતાં આ વખતે જર્મની પશ્ચિમના દેશોની ચીન સામેની જ કહી શકાય તેવી લશ્કરી કવાયતમાં જોડાવાનું છે. તે તેની વિદેશ નીતિનું મહત્વનું પરિવર્તન-બિંદુ નિષ્ણાતો માને છે. સાથે તેમ પણ માને છે કે જર્મની હવે વ્યાપાર ક્ષેત્રે ચીન પર ઓછુ નિર્ભર થઈ રહ્યું છે.

(5:45 pm IST)