Gujarati News

Gujarati News

News of Saturday, 17th September 2022

સઉદીના એક શખ્‍સે ૪૩ વર્ષમાં કર્યા ૫૩ વાર લગ્ન

સૌથી નાના લગ્ન ફક્‍ત એક રાત ચાલ્‍યા : ૬૩ વર્ષીય અબૂ અબ્‍દુલ્લાને ‘સદીના બહુવિવાહવાદી' કહેવામાં આવી રહ્યાં છે

દુબઇ,તા. ૧૭ : એક સઉદીના શખ્‍સનો દાવો છે કે તેણે વ્‍યક્‍તિગત સુખ નહીં પણ સ્‍થિરતા અને મનની શાંતિ મેળવવાના હેતુથી ૫૩ વાર લગ્ન કર્યા છે.

અબ્‍દુલ્લાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્‍યું હતું કે, ‘મેં લાંબી અવધિમાં ૫૩ મહિલાઓ સાથે લગ્ન કર્યા. પહેલીવાર લગ્ન જયારે કર્યા તો હું ૨૦ વર્ષનો હતો અને તે મારા કરતા ૬ વર્ષ મોટી હતી.' તેમણે કહ્યું, ‘જયારે મેં પહેલીવાર લગ્ન કર્યા, તો મેં એકથી વધારે મહિલાઓ સાથે લગ્ન કરવાની યોજના નહોતી બનાવી કારણ કે હું સહજ અનુભવી રહ્યો હતો અને મારા બાળકો પણ હતા.'

જો કે થોડાક વર્ષો બાદ, સંબંધમાં સમસ્‍યા આવી અને અબ્‍દુલ્લાએ ૨૩ વર્ષની ઉંમરમાં ફરીથી લગ્ન કરવાનો નિર્ણય કર્યો. તેમણે પોતાની પહેલી પત્‍નીને પોતાના નિર્ણયની સૂચના આપી. જયારે તેમની પહેલી અને બીજી પત્‍નીનો આપસમાં વિવાદ થયો તો અબ્‍દુલ્લાએ ત્રીજી અને ચોથીવાર લગ્ન કરવાનો નિર્ણય કર્યો. બાદમાં તેમણે પહેલી બે પત્‍નીઓને છૂટાછેડા આપી દીધા.

અબ્‍દુલ્લાએ કહ્યું કે તેમના વધુ વિવાહોનું સીધુ સરળ કારણ હતું, કે એક એવી મહિલાની શોધ હતી જે તેમને ખુશ રાખી શકે. તેમના જણાવ્‍યા પ્રમાણે તેઓ તમામ પત્‍નીઓ પ્રતિ નિષ્‍પક્ષ રહેવાનો પ્રયાસ કરતા હતા. તેમણે કહ્યું કે સૌથી નાના લગ્ન ફક્‍ત એક રાત ચાલ્‍યા. અબ્‍દુલ્લાએ મોટાભાગે સઉદી મહિલાઓ સાથે લગ્ન કર્યા. તેમણે પોતાની વિદેશી વ્‍યાપારિક મુસાફરી દરમિયાન વિદેશી મહિલાઓ સાથે લગ્ન કરવાની વાત સ્‍વીકારી છે.

અબ્‍દુલ્લાનું કહેવું છે, ‘દુનિયામાં દરેક પુરૂષ ઈચ્‍છે છે કે એક મહિલા હોય અને તે હંમેશા તેની સાથે રહે. સ્‍થિરતા એક યુવા મહિલા સાથે નહીં, પરંતુ વૃદ્ધ સાથે મળવાની છે.' તેમણે હવે એક મહિલા સાથે લગ્ન કરી લીધા છે અને ફરીથી લગ્ન કરવાની કોઈ યોજના નથી.

(10:20 am IST)