Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

મિસ્ત્રની રાજધાની કાહિરાની દક્ષિણ દિશામાં મળી આવ્યું 4500 વર્ષ જૂનું સૂર્ય મંદિર

નવી દિલ્હી: કેટલાક પુરાતત્વવિદો મિસ્ત્રની રાજધાની કાહિરાની દક્ષિણ દિશામાં આવેલા અબુ ગોરાબ નામના શહેરના રણ પ્રદેશમાં ખનન કરી રહ્યા હતા તે સમયે અચાનક જ પ્રાચીન મંદિર મળી આવતા તેઓ સૌ ચોંકી ઉઠ્યા હતા. આ મંદિર સૂર્ય દેવનું છે અને તે છેલ્લા 4,500 વર્ષોથી રણ પ્રદેશમાં દટાયેલું હતું. મિસ્ત્રના આર્કિયોલોજિસ્ટના કહેવા પ્રમાણે આ છેલ્લા દશકાનું સૌથી મોટું સંશોધન છે. મિસ્ત્રના ફૈરોહ દ્વારા આ મંદિર બનાવડાવવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં મિસ્ત્રમાંથી બે પ્રાચીન મંદિરોનું ખનન કરવામાં આવેલું છે. જોકે, વોરસો સ્થિત એકેડમી ઓફ સાયન્સીઝમાં ઈજિપ્તોલોજીના આસિસ્ટેન્ટ પ્રોફેસર ડો. માસિમિલાનો નુજોલોના કહેવા પ્રમાણે તેમણે આવી પ્રાચીન વસ્તુઓના સંશોધન માટે ઘણો સમય આપ્યો છે. પરંતુ જ્યારે આવું કશું મળે છે જે સંપૂર્ણ સભ્યતા, સંસ્કૃતિ અને તે સમયના નિર્માણકળા વિજ્ઞાનને દર્શાવે છે તો આશ્ચર્ય થાય છે. ઘણું બધું શીખવા મળે છે. પુરાતત્વવિદોના કહેવા પ્રમાણે આ મંદિર પાંચમા સામ્રાજ્યના ફૈરોહે બનાવડાવ્યું હતું. તે સમયે તેઓ જીવીત હતા. તેનો ઉદ્દેશ્ય હતો કે, લોકો તેમને ભગવાનનો દરજ્જો આપે. બીજી બાજુ પિરામિડ્સ બનાવડાવાયા હતા જ્યાં ફૈરોહના મૃત્યુ બાદ તેમની કબર બનાવવામાં આવતી હતી જેથી અવસાન બાદ તેઓ ભગવાનનું સ્વરૂપ હાંસલ કરી શકે. 

 

(5:03 pm IST)