Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

વિશ્વના આ દેશમાં છે ટીનેજર્સ સૌથી ઓછા વ્યસની

નવી દિલ્હી: વિશ્વમાં ટીનેજર્સ અને યુવાનોમાં દારુ અને સિગારેટનું વ્યસન વધતું જાય છે ત્યારે આઇસલેન્ડના ૧૪ થી ૧૬ વર્ષના ટીનેજર્સ સૌથી ઓછા વ્યસની છે. એક માહિતી મુજબ આઇસલેન્ડમાં શરાબની લત ધરાવનારા યુવાનોની સંખ્યા ૫ ટકા હતી જે વિશ્વમાં સૌથી ઓછી છે જયારે યૂરોપના દેશોમાં સ્કૂલે જતા ૪૭ ટકા ટીનેજર્સે શરાબનો સ્વાદ ચાખ્યો હોય છે.

એક સમયે આઇસલેન્ડના યુવાઓ પણ શરાબ-સિગારેટનું સૌથી વધુ વ્યસન ધરાવતા હતા પરંતુ આજે યૂરોપના દેશો માટે પ્રેરણારુપ બન્યા છે. આઇસલેન્ડના યુવાનો કેવી રીતે નશામુકત બન્યા તે જાણવું રસપ્રદ છે.


આ દેશમાં દારુબંધીનો કોઇ જ કાયદો નથી પરંતુ જે પરીણામ મળ્યું છે તેની પાછળ ૨૦ વર્ષની મહેનત રહેલી છે.૧૯૯૮માં આઇસલેન્ડમાં યૂથ ઇન આઇલેન્ડ નામનું અભિયાન શરુ થયું જેનો ઉદ્દેશ યુવાનોને શરાબ અને સિગારેટનું વ્યસન છોડાવવાનો હતો. આ માટે સેન્ટર ફોર રિસર્ચ એન્ડ સોશિયલ એનાલિસિસ દ્વારા સ્કૂલોમાં જઇને ૨ વર્ષ સુધી સ્ટડી કરવામાં આવ્યો હતો. આ સ્ટડીમાં શરાબ અને તમાકુનું વ્યસન જ નહી તેની પાછળની સામાજિક અને પારીવારિક સ્થિતિને પણ આવરી લેવામાં આવી હતી. યૂથ ઇન આઇસલેન્ડ અંર્તગત જાણવા મળ્યું કે નશો કરવા માટે માત્ર બાળકો જ જવાબદાર ન હતા. જે બાળકો માતા પિતા સાથે વધુ રહેતા અને સ્પોર્ટસ પર વધુ ધ્યાન આપતા હતા તે ઓછા વ્યસની હતા. ત્યાર પછી આઇસલેન્ડની સ્કૂલોમાં રમત, સંગીત, થિએટર અને ડાંસ જેવી એકટીવિટી માટે બજેટ વધારવામાં આવ્યું હતું. બાળકો વ્યસની ના બને તે માટે સ્થાનિક તંત્ર દ્વારા માતા પિતાને પણ સકારાત્મક વાતાવરણ ઉભું કરવા પર ભાર મુકાયો હતો.

(5:07 pm IST)