Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

પશ્ચિમ જર્મનીમાં જળાશય ડેમ સ્ટેનબેકતાલ પર તોળાઈ રહ્યું છે જોખમ:ગમે ત્યારે તૂટવાની સંભાવના

નવી દિલ્હી: પશ્ચિમ જર્મનીનો જળાશય ડેમ સ્ટેનબેકતાલ પર હજુ પણ જોખમ તોળાઇ રહ્યું છે અને તે ગમે ત્યારે તૂટી શકે તેમ હોવાના કારણે ઓછામાં ઓછા ૪૫૦૦ લોકોને સલામત સ્થાન પર ખસેડી લેવામાં આવ્યા છે. સત્તાવાળાઓ દ્વારા ડેમના વહેણમાં આવતાં તમામ માર્ગોને બંધ કરી દેવામાં આવ્યા છે. દરમિયાન એકલા જર્મનીમાં વરસાદ અને પૂરના કારણે કુલ ૧૫૬ લોકોનાં મોત થયા છે અને હજુ અસંખ્ય લોકો લાપતા છે. જર્મનીના ચાન્સેલર એંજેલા મર્કેલ રવિવારે પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. દરમિયાન જર્મની અને બેલ્જિયમ સહિત પિૃમ યુરોપના ભાગોમાં ભારે વરસાદ અને પૂરના કારણે ઓછામાં ઓછા ૧૮૩ લોકોના મોત થયા છે. અહેવાલો અનુસાર વિનાશક પૂરના કારણે આ વિસ્તારોમાં અસંખ્ય મકાનો તૂટી ગયા છે, રસ્તાઓ અને પાવર લાઇન્સનો નાશ થયો છે. સંખ્યાબંધ લોકો લાપતા છે.

દરમિયાન સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર કોલોન નજીક વાસેનબર્ગ શહેરમાં એક ડેમ તૂટી પડતાં તેની આસપાસમાં રહેતાં ૭૦૦ લોકોને સલામત સ્થાન પર ખસેડવામાં આવ્યા છે. અહેવાલો અનુસાર આ વિસ્તારોમાં આવેલા અન્ય ડેમો પણ ઓવરફ્લો થઇ રહ્યા છે. આ ઉપરાંત વૂપર નદીની આસપાસ રહેેતા લોકોને પણ તત્કાળ સલામત સ્થાન પર ખસી જવાની ચેતવણી આપી દેવામાં આવી છે.

 

(5:59 pm IST)