Gujarati News

Gujarati News

News of Tuesday, 20th April 2021

વધી રહેલ ડિજિટલ જમાનામાં ઇલેક્ટ્રોનિક સાધનોના વધતા વપરાશથી વિશ્વમાં દર વર્ષે 5 કરોડ ટન ઈ વેસ્ટ પેદા થતું હોવાનો અહેવાલ

નવી દિલ્હી: ભૌતિક અને ડિજીટલ જમાનામાં સ્માર્ટ ફોન, લેપટોપ અને ક્મ્પ્યૂટર સહિતના ઇલેકટ્રોનિક અને ઇલેકટ્રિક સાધનોનો વપરાશ વધતો જાય છે. આથી વિશ્વમાં દર વર્ષે ૫ કરોડ ટન ઇ વેસ્ટ પેદા થાય છે. આ ઇ વેસ્ટનું મૂલ્ય ૬૨.૫ અબજ ડોલર જેટલું થાય છે. આ માહિતી સંયુકત રાષ્ટ્રસંઘની વિવિધ એજન્સીઓના અહેવાલમાં બહાર આવી છે. નવાઇની વાત તો એ છે કે વધતા જતા ઇ વેસ્ટમાંથી માત્ર ૨૦ ટકાનું રિસાયકલિંગ થાય છે બાકીનો કચરો યોગ્ય નિકાલના અભાવે નકામો પડયો રહે છે. ઇ કચરો બાળવા કે ઓગાળવાથી પણ હવામાં પ્રદૂષણ ફેલાય છે.

લેન્ડફિલ પર કે જમીનમાં ઉંડે સુધી દાટવાથી કચરામાં રહેલા ઝેરી રસાયણો જમીન અને પાણીમાં ભળે છે. મહાસાગરોમાં પાણી પ્રદૂષિત થવાથી દરિયાઇ જીવો પર ખતરો વધે છે. વિશ્વમાં દર વર્ષે સૌથી વધુ ૭૦ થી ૮૦ લાખ ટન ઇલેકટ્રોનિક કચરો અમેરિકા પેદા કરે છે. કેટલાક ગેજેટસ તથા સર્કિટ તૈયાર કરવામાં સોના સહિતની કિંમતી ધાતુઓનો પણ ઉપયોગ થતો હોવાથી આ પ્રકારના ઇ વેસ્ટની સારી એવી ડિમાંડ રહે છે. ભારતમાં દર વર્ષે અંદાજે ૧૦ લાખ ટન જેટલો ઇ વેસ્ટ પેદા થાય છે. ઇ વેસ્ટમાં જુના થઇ ગયેલા, બળી ગયેલા કમ્પ્યૂટર, ફોન, ટીવી, ફ્રિઝ સહિતના વિવિધ ગેજેટસનો સમાવેશ થાય છે.

(6:08 pm IST)