Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

આઠ મહિનાના બાળકો પણ ખોટું કામ કરનાર લોકોને ઓળખી લે છે:એક સંશોધન મુજબ થયો ખુલાસો

નવી દિલ્હી: માણસોમાં સારું અને ખોટું, ગુનાખોરી અને તેનાં પરિણામોને માપવાની ક્ષમતા હોય છે. ખોટું કરનારાને સજા આપવાની ભાવના જીવનના શરૂઆતના ગાળામાં આવે છે, પરંતુ કઈ ઉંમરે આવું થાય છે તે હજુ સ્પષ્ટ નથી થયું. નેચર હ્યુમન બિહેવિયરમાં આ મહિને પ્રકાશિત એક સંશોધનમાં તેનો જવાબ મળ્યો છે. જાપાનની ઓસાકા અને ઓત્સુમા યુનિવર્સિટીના સંશોધકોના એક પ્રયોગ પ્રમાણે આઠ મહિનાની વયે જ બાળકોમાં ખોટું કરનારાને સજા આપવાનો વ્યવહાર શરૂ થઈ જાય છે. આ નૈતિકતા જન્મજાત હોવાના પુરાવા હોઈ શકે છે. આ સંશોધનમાં આઠ મહિનાનાં 24 બાળકોને એક સામાન્ય વીડિયો ગેમથી પરિચિત કરાયાં હતાં. તેમાં માનવ જેવી આકૃતિઓ સ્ક્રીન પર એકબીજા સાથે વાત કરીને ચાલતી હતી. આ દરમિયાન એક ડિવાઈસથી બાળકોની આંખોની ગતિવિધિ પર નજર રખાતી હતી. જો બાળકો કોઈ એક આકૃતિ પર લાંબા સમય સુધી નજર રાખે તો વિના આંખોની કોઈ આકૃતિ સ્ક્રીનના ઉપરના ભાગમાંથી પડીને તેમને કચડી નાંખતી હતી. બાળકો જ્યારે આ વીડિયો ગેમના ફીચર શીખી ગયા, ત્યારે સંશોધકોએ વધુ જટિલ દૃશ્ય બનાવ્યું. હવે બાળકોએ જોયું કે આંખોવાળી આકૃતિ ક્યારેક ગેરવર્તન પણ કરે છે, એકબીજા સાથે ટકરાય છે અને બીજાને સ્ક્રીનના ખૂણા સુધી ધકેલી દે છે. આવી કેટલીક ઘટનાઓ પછી બાળકોએ પ્રતિક્રિયા આપવાની શરૂ કરી. તેમાંથી 75% બાળકોએ ખોટું કરનારા પર પોતાની નજર સ્થિર રાખીને તેમને આકાશમાંથી નીચે પાડીને નષ્ટ કરી દીધા. આ વાત સાબિત કરે છે કે તે દુર્વ્યવહારની સજા હતી.

(6:55 pm IST)