Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

ઈરાનમાં વાળ કાપીને મહિલાઓએ કર્યો હિજાબનો વિરોધ

નવી દિલ્હી: ઇરાનમાં મહિલાઓ હિજાબનો વિરોધ કરી રહી છે, આવો જ એક વિરોધ કરનારી ૨૨ વર્ષીય યુવતીનું પોલીસ કસ્ટડીમાં મોત નિપજતા ઇરાનની અન્ય મહિલાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જેને પગલે મહિલાઓ આ ઘટનાના વિરોધમાં પોતાના વાળ પણ કાપવા લાગી છે. હજારો મહિલાઓ ઇરાનના શહેરોમાં રસ્તા પર ઉતરી રહી છે. અને પોતાનો હિજાબ ઉતારીને વિરોધ પ્રદર્શન કરી રહી છે. જ્યારે અનેક મહિલાઓએ સોશિયલ મીડિયાને પણ પોતાના વિરોધ પ્રદર્શનનું માધ્યમ બનાવ્યું છે. આ મહિલાઓ પોતાના વાળ કાપતી હોવાના વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર શેર કરી રહી છે જે સમગ્ર ઇરાન અને વિશ્વમાં ચર્ચાનો વિષય બન્યા છે. જ્યારે અનેક મહિલાઓ હિજાબને સળગાવતી હોવાના વીડિયો પણ સામે આવ્યા છે. ઇરાનમાં પ્રશાસને મહિલા વિરોધી નિયમો લાગુ કર્યા છે. જેમાં હિજાબ પહેરવો ફરજિયાત કરી દેવાયો છે અને જે આ નિયમોનું પાલન ન કરે તેમને સરકારી ઓફિસ અને બેંકોમાં પ્રવેશવા ઉપર પ્રતિબંધ મુકી દેવાયા છે. 

(5:18 pm IST)