Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

કરાચીના ઓરંગી ટાઉનમાં હોમવર્ક ન કરવા બદલ પિતાએ પુત્રને કરી આવી ખતરનાક સજા જાણીને ઉડી જશે સહુ કોઈના હોશ

નવી દિલ્હી: પાકિસ્તાનમાં હૃદય હચમચાવી દે તેવી ઘટના બની છે. કરાચીના ઓરંગી ટાઉન હાઉસમાં શાળાનું હોમવર્ક ન કરવા બદલ પિતાએ પુત્રને સળગાવી દેવાનો કિસ્સો સામે આવ્યો છે. પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે આ ઘટના 14મી સપ્ટેમ્બરના રોજ બની હતી. જ્યારે પિતા - નઝીરે તેમના 12 વર્ષીય પુત્ર પર કેરોસીન છાંટી દીધું હતું અને ત્યારપછી તેને આગ લગાડી દીધી હતી. આ ઘટના બાદ છોકરાને સિંધ સરકારના કતાર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેને ગંભીર ઈજાઓ થઈ હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ પીડિત છોકરાને કરાચીની અન્ય એક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જોકે સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. પોલીસના જણાવ્યા પ્રમાણે - મૃત પુત્રની માતા દ્વારા દાખલ કરાયેલી ફરિયાદના આધારે પિતા - નઝીર સામે ગુનો દાખલ કરી તેની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી પિતાને જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ સમક્ષ રજુ કરવામાં આવ્યો હતો, જ્યાં સોમવારે કોર્ટે આરોપીના 24મી સપ્ટેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન આરોપી પિતાએ કહ્યું કે તેનો ઈરાદો પુત્રને મારી નાખવાનો ન હતો. હોમવર્ક ન કરતો હોવાથી પુત્રને ડરાવવા માટે તેમણે કેરોસીન છાંટ્યું હતું અને માચીસ સળગાવી હતી, જોકે કેરોસીનને કારણે આગ લાગી ગઈ અને આ દુર્ઘટના સર્જાઈ હતી. પોલીસે કહ્યું કે તેઓ હાલ આ સમગ્ર મામલાની તપાસ કરી રહ્યાં છે.

(5:19 pm IST)