Gujarati News

Gujarati News

News of Friday, 21st August 2020

નેપાળમાં જોવા મળ્યો સોનેરી રંગનો કાચબો : વિષ્ણુનો અવતાર માનીને દર્શન કરવા આવે છે લોકો

નેપાળમાં સોનેરી રંગના કાચબાનો જન્મ થયો છેઃ આ કાચબો દુનિયાભરમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે : કહેવાઈ રહ્યું છે કે વિશ્વભરમાં આ પ્રકારના માત્ર પાંચ કાચબા જન્મ્યા છે

કાઠમાંડુ,તા. ૨૧: નેપાળમાં એક સોનેરી રંગના કાચબાનો જન્મ થયો છે. સોનેરી કાચબાને પવિત્ર માનીને દૂર દૂરથી લોકો તેની પૂજા માટે આવી રહ્યા છે. કહેવાઈ રહ્યું છે કે, જેનેટિક મ્યૂટેશનના કારણે કાચબાનો રંગ સોનેરી થઈ ગયો છે. આ કાચબો ધનુષા જિલ્લાના ધનુષધામનગર વિસ્તારમાંથી મળ્યો છે. દરમિયાન મિથિલા વાઈલ્ડલાઈફ ટ્રસ્ટે આ કાચબાની ઓળખ ભારતીય ફ્લેપ કાચબા તરીકે કરી છે.

આ કાચબો દેખાયા બાદ વન્યજીવ વિશેષજ્ઞ કમલ દેવકોટાએ કહ્યું કે, 'કાચબાનું નેપાળમાં ધાર્મિક અને સાંસ્કૃતિ મહત્વ છે. દ્યણાં લોકો માની રહ્યા છે કે ભગવાન વિષ્ણુએ પૃથ્વીને બચાવવા માટે કાચબાનો અવતાર લીધો છે. હિંદુ માન્યતા અનુસાર કાચબાના ઉપરના કવચને આકાશ અને નીચેના ભાગને પૃથ્વી માનવામાં આવે છે.'

તો કમલ દેવકોટાના આ દાવાથી વિપરિત નિષ્ણાતોનું કહેવું છે કે, જનિન તત્વોમાં ફેરફાર થતાં રંગ બદલાયો છે. આને ક્રોમેટિક લ્યૂસિઝમ કહેવાય છે. આ કારણે કાચબાનું ઉપરનું કવચ સોનેરી રંગનું થઈ ગયું છે. આ પરિવર્તનના કારણે જ પશુઓની ચામડીનો રંગ સફેદ અથવા આછો થઈ જાય છે. કાચબાના કિસ્સામાં જનિન તત્વોમાં ફેરફારને કારણે આમ થયું છે.

કમલ દેવકોટાએ કહ્યું કે, નેપાળમાં સોનેરી રંગનો પહેલો કાચબો જોવા મળ્યો છે. આખી દુનિયામાં આવા માત્ર ૫ કાચબા મળ્યા છે. અમારા માટે આ અસમાન્ય શોધ છે. જેનેટિકસના કારણે ઊભી થયેલી પરિસ્થિતિઓની પ્રકૃતિ પર ખરાબ અસર પડે છે પરંતુ આ પ્રકારના જીવ અમારા માટે કિંમતી છે. આ કાચબાને જોવા હવે દૂર-દૂરથી લોકો આવી રહ્યા છે. મહત્વનું છે કે, થોડા દિવસ પહેલા જ ઓડિશાના સુજનપુર ગામમાં પણ આ પ્રકારનો પીળો કાચબો જોવા મળ્યો હતો. આ કાચબાએ સ્થાનિકોમાં કુતૂહલ સજર્યું હતું.

(11:34 am IST)