Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

પાકિસ્‍તાન : હોમવર્ક ન કરવા પર પિતાએ ૧૨ વર્ષના પુત્રને જીવતો સળગાવ્‍યો

પોલીસે કરી ધરપકડ : કરાંચીમાં અજીબોગરીબ ઘટના

ઇસ્‍લામાબાદ તા. ૨૧ : પાકિસ્‍તાનના કરાચીમાં એક વિચિત્ર કિસ્‍સો સામે આવ્‍યો છે. અહીં એક પિતાએ તેના ૧૨ વર્ષના પુત્રને માત્ર એટલા માટે જીવતો સળગાવી દીધો કારણ કે તેણે હોમવર્ક કર્યું નથી. પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી લીધી છે. આરોપીએ કહ્યું કે તેણે પુત્રને ડરાવવા માટે જ કેરોસીન છાંટ્‍યું હતું.

પાકિસ્‍તાનમાં એક પિતાએ પોતાના જ બાળકને આગ લગાવી દીધી. ૧૨ વર્ષના પુત્રનો એક માત્ર દોષ એ હતો કે તેણે હોમવર્ક કર્યું ન હતું. આ બાબતે પિતાને એટલો ગુસ્‍સો આવ્‍યો કે તેણે ૧૨ વર્ષના માસૂમ પુત્રને જીવતો સળગાવી દીધો. પુત્રને ગંભીર હાલતમાં હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યો હતો, જોકે તેનું સારવાર દરમિયાન મોત થયું હતું.

આરોપી પિતા નઝીરે પહેલા તેના પુત્ર શાહિર પર કેરોસીન રેડીને તેને જીવતો સળગાવી દીધો હતો. છોકરાની માતાની ફરિયાદ પર આરોપી પિતા વિરૂદ્ધ FIR નોંધવામાં આવી છે. આરોપી હાલ પોલીસની કસ્‍ટડીમાં છે.

અહેવાલો અનુસાર, બાળકને ગંભીર રીતે દાઝી જવાથી હોસ્‍પિટલમાં લઈ જવામાં આવ્‍યો હતો, જયાં સારવાર દરમિયાન તેનું મૃત્‍યુ થયું હતું. આરોપીને જયુડિશિયલ મેજિસ્‍ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્‍યો હતો. કોર્ટે તેને ૨૪ સપ્‍ટેમ્‍બર સુધી પોલીસ કસ્‍ટડીમાં મોકલી દીધો છે.

પ્રારંભિક તપાસમાં આરોપી નઝીરે પોલીસને જણાવ્‍યું કે તેનો તેના પુત્રની હત્‍યા કરવાનો ઈરાદો નહોતો. પુત્રને ડરાવવા માટે જ તેણે તેના પર કેરોસીન છાંટ્‍યું હતું. કારણ કે તે તેની શાળાનું હોમવર્ક કરી રહ્યો ન હતો. આરોપી નઝીરે કહ્યું કે તેણે શાહીરને ડરાવવા માટે મેચ સળગાવી હતી, પરંતુ તેલમાં આગ લાગી હતી. જેના કારણે પુત્ર દાઝી ગયો હતો. જો કે પોલીસ આ મામલાની અનેક એંગલથી તપાસ કરી રહી છે.

(10:23 am IST)