Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

ઉંમર એક વર્ષઃ કમાણી ૭૫૦૦૦ રૂપિયા, કામ ટેસડાથી ફરવાનું

એક જ વર્ષની ઉંમરમાં બ્રિગ્સ ૪૫ જેટલા વિમાનપ્રવાસ કરી ચૂકયો છેઃ અમેરિકામાં માતાપિતા સાથે પ્રવાસ કરીને તે સારીએવી કમાણી કરી રહ્યો છે

ન્યુયોર્ક, તા.૨૧: અમેરિકાનું બ્રિગ્સ ડરિંગ્ટન નામનું બાળક જન્મ્યું ત્યારથી પ્રવાસ કરી રહ્યું છે, એટલું જ નહીં, પ્રવાસ કરીને તે પૈસા કમાઈ રહ્યું છે. અમેરિકામાં તેણે ત્રણ જ અઠવાડિયાંની ઉંમરથી પ્રવાસ કરવાની શરૂઆત કરી હતી. અત્યારે બેબી-ઇન્ફ્લ્યુએન્સર તરીકે તે દર મહિને ૧૦૦૦ ડોલર (૭૫૦૦૦ રૂપિયા) કમાય છે.

એક જ વર્ષની ઉંમરમાં બ્રિગ્સ ૪૫ જેટલા વિમાનપ્રવાસ કરી ચૂકયો છે. અમેરિકામાં માતાપિતા સાથે પ્રવાસ કરીને તે સારીએવી કમાણી કરી રહ્યો છે. બ્રિગ્સ અત્યાર સુધી અમેરિકાનાં ૧૬ રાજયોનો પ્રવાસ કરી ચૂકયો છે. એક વર્ષની નાનકડી ઉંમરમાં બ્રિગ્સ અલાસ્કાના રીંછ, યલોસ્ટોન નઙ્ખશનલ પાર્કના વરુઓને જોઈ ચૂકયો છે તેમ જ કેલિફોર્નિયાના દરિયાકિનારાઓના પર્યટનની મજા માણી ચૂકયો છે. ૨૦૨૦ની ૧૪ ઓકટોબરે દિવસે જન્મેલા બ્રિગ્સનો પહેલો પ્રવાસ નેબ્રાસ્કાનો હતો. અત્યારે તે દુનિયાનો સૌથી નાની ઉંમરનો ટ્રાવેલ ઇન્ફ્લ્યુએન્સર હોઈ શકે છે.

બ્રિગ્સની વાર્તા એવી છે કે તેની માતા ટ્રાવેલ-બ્લોગર હતી અને પ્રવાસ કરીને પૈસો મેળવતી હતી, પણ બ્રિગ્સના જન્મ પછી તેને ચિંતા સતાવવા લાગી કે તેની કરીઅર પૂરી થઈ જશે કે કેમ. જોકે બ્રિગ્સના જન્મ સાથે જ તેનાં માતાપિતાએ જોયું કે કોઈ બેબી-ટ્રાવેલરનું અકાઉન્ટ નથી એટલે સોશ્યલ મીડિયા પર બ્રિગ્સના નામથી બેબી ટ્રાવેલરનું અકાઉન્ટ બનાવી બેબી ટ્રાવેલની અઢળક માહિતી આપવાનું કામ તેમણે શરૂ કર્યું. જેને ધાર્યા કરતાં વધુ સફળતા મળી રહી છે.

(3:26 pm IST)