Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd June 2021

એક સાથે 10 બાળકોને જન્મ આપ્યો હોવાની વાતને લઈને આ મહિલા સવાલોના ઘેરામાં ફસાઈ

નવી દિલ્હી: એક સાથે 10 બાળકોને જન્મ આપવાનો દાવો કરીને ચર્ચામાં આવી ગયેલી મહિલા હવે સવાલોના ઘેરામાં આવી ગઈ છે. તેની કહાની પર શકના વાદળો ઘેરાયા છે. કારણ કે તેણે હજુ સુધી ન તો કોઈને બાળકો બતાવ્યા છે કે ન તો તેમની હાજરીના પુરાવા આપ્યા છે. આ બધા વચ્ચે પોલીસે કથિત 10 બાળકોની માતા ગોસિયામે સિથોલે (Gosiame Sithole) ની ધરપકડ કરી લીધી છે. સિથોલેના પાર્ટનર તેબોગો(Teboho) એ પોતે જ બાળકોના જન્મની વાર્તા પર શક જાહેર કરતા તેમના ગાયબ થવાની ફરિયાદ નોંધાવી હતી. દક્ષિણ આફ્રીકાના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વિભાગનું કહેવું છે કે તેમની તપાસમાં પણ ગોસિયામે સિથોલેના દાવાના સમર્થનમાં કોઈ પુરાવા મળ્યા નથી. જો કે એક સ્થાનિક મીડિયા આઉટલેટે ભારપૂર્વક કહ્યું કે બાળકોનો જન્મ થયો છે અને મેડિકલ બેદરકારી છૂપાવવા માટે ષડયંત્ર રચાઈ રહ્યું છે. જ્યારે પોલીસે સ્પષ્ટ કર્યું કે સિથોલેએ કોઈ અપરાધ કર્યો નથી અને સામાન્ય પૂછપરછ બાદ તેને સામાજિક વિભાગના સ્ટાફને સોંપી દેવાઈ છે. જે તેને હોસ્પિટલ લઈ ગયા છે.

આ બાજુ ગોસિયામે સિથોલેએ તેના પાર્ટનર અને તેના પરિવાર પર ડોનેશનના પૈસા હડપી લેવાનો આરોપ લગાવ્યો છે. સિથોલેનું કહેવું છે કે બાળકોના જન્મને લઈને લોકો પાસેથી મળેલી આર્થિક મદદને તેબોગો અને તેના પરિવારે પચાવી પાડી છે. જ્યારે સિથોલેના વકીલે હોસ્પિટલ પર આરોપ લગાવતા કહ્યું કે તેમની ક્લાયન્ટને તે સંપૂર્ણ રીતે સાજી હોવા છતાં Psychiatric Evaluation ના નામે જબરદસ્તીથી Psychiatric Ward માં રાખવામાં આવી છે. હોસ્પિટલનું માનવું છે કે સિથોલેએ બાળકોના જન્મની કાલ્પનિક વાર્તા ઘડી છે. તેમણે કહ્યું કે સિથોલેને લીગલ એક્સેસ આપવાનો ઈન્કાર કરી દેવાયો છે અને તેને ખાનગી મનોવૈજ્ઞાનિક પાસે લઈ જવાની મંજૂરી પણ આપવામાં આવી રહી નથી.

(6:09 pm IST)