Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

ઓડિશામાં આ ગામના લોકો પર ઝેરી કીડીઓએ કર્યું આક્રમણ

નવી દિલ્હી: તાજેતરમાં પ્રગટ થયેલી માહિતી મુજબ પૃથ્વી પર ૨૦૦ લાખ કરોડ કીડીઓ છે. કુદરતની જીવનસાંકળમાં દરેક સુક્ષ્મ જીવનું પણ મહત્વ છે પરંતુ ઓડિશા રાજયનું એક ગામ એવું છે કે રોજ ઉભરાતી ચાલ ચટ્ટાક કિડીઓથી ત્રાસી ગયું છે. આ ગામનું નામ બ્રાહ્મણશાહી છે. ગામના લોકો ઝેરી,ચટકા ભરતી કિડીઓથી કંટાળીને ગામ છોડવા મજબૂર બની ગયા છે. આવું અગાઉ કયારેય જોવા મળ્યું નથી. આ વર્ષે વરસાદ વધારે પડયો અને વરસાદ પડયા પછી ગામની જમીન કરોડો કીડીઓથી ઉભરાવા લાગી છે.લોકો આને કીડીઓનો વિસ્ફોટ સમજે છે. ૨૦૧૩માં ફેલિન ચક્રવાત આવ્યું ત્યારે કેટલાક સ્થળે કીડીઓ દેખાઇ હતી પરંતુ આટલી સંખ્યામાં પ્રથમવાર જોવા મળ્યું છે. ઘરની છત્ત, દિવાલ, છાપરા, કબાટ કોઇ સ્થળ કીડીઓ વગરનું નથી. રાત્રે સુતા હોય ત્યારે ખાટલામાં પણ કિડીઓ પડે છે.  કિડીઓ કડવાથી અનેક લોકો ઘાયલ થયા છે. કેટલાકને તો એલર્જી અને ખંજવાળ થવા લાગી છે.કીડીઓ તો બધે હોય પરંતુ તેના અતિરેકથી કંટાળીને ગામ લોકોએ વહિવટીતંત્રને ફરિયાદ કરતા એક મેડિકલ ટીમ ગામમાં મુલાકાતે આવી હતી. તપાસમાં જાણવા મળ્યું કે લાલ કીડીઓ બહારથી આવી છે. ચંદ્રદેઇપુર પંચાયત વિસ્તારમાં ભારે વરસાદ થવાથી પૂર આવ્યું હતું. પૂરના પાણી ઓસરી ગયા પછી કીડીઓએ અચાનક જ ગામ પર હુમલો કર્યો હોય એમ ઉભરાવા લાગી હતી.

(6:08 pm IST)