Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

પાકિસ્તાનના અનેક શહેરોમાં વીજળી થઇ ગૂલ:લોકોની મુશ્કેલીમાં વધારો

નવી દિલ્હી: એક તરફ જ્યાં પાકિસ્તાન સંપૂર્ણ રીતે મુશ્કેલીમાં છે અને ગરીબીની આરે ઊભેલું નજર આવી રહ્યુ છે. મોંઘવારી ચરમસીમાએ છે સામાન્ય લોકો માટે લોટ અને દાળ જેવી પ્રાથમિક વસ્તુઓ પણ ખરીદવી મુશ્કેલ બની રહી છે. ત્યારે હવે વિજળીની સમસ્યાથી લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. પાકિસ્તાનમાં પણ વિજળી સંકટ ઉભુ થયુ છે. હાઈ ટેન્શન ટ્રાન્સમિશન લાઈનમાં ખામીને કારણે દેશના વિવિધ હિસ્સાઓમાં વીજળી ગુલ થઈ છે. પાકિસ્તાન પહેલાથી જ વીજળીની અછત અને લાંબા કાપનો સામનો કરી રહ્યું છે. વીજળી બચાવવા માટે સરકાર 8:00 વાગ્યે બજારો બંધ રાખવાનો આદેશ જારી કરી ચૂકી છે. ક્વેટા, ઈસ્લામાબાદ, લાહોર, મુલ્તાન ક્ષેત્રના શહેરો અને કરાચી સહિત બલૂચિસ્તાનના 22 જિલ્લાઓમાં પણ વીજ કાપ થયો છે. લાહોરમાં મોલ રોડ, કેનાલ રોડ અને અન્ય વિસ્તારોમાં લોકો વીજ કાપના સંકટનો સામનો કરી રહ્યા છે. અધિકારીઓએ કહ્યું કે, તેઓ આ મામલે તપાસ કરી રહ્યા છે. અહેવાલો પ્રમાણે ટ્રાન્સમિશન લાઈનમાં ટેકનિકલ ખામીને કારણે સિંધ, ખૈબર પખ્તુનખ્વા, પંજાબ અને રાજધાનીમાં વીજળી ઠપ થઈ ગઈ છે. 

(7:49 pm IST)