Gujarati News

Gujarati News

News of Friday, 23rd September 2022

ઈરાનમાં પ્રદર્શનકારીઓ-પોલીસ વચ્ચે થયેલ ઘર્ષણમાં મૃત્યુઆંક 32ને પાર

નવી દિલ્હી: ઈરાનમાં ૨૨ વર્ષની યુવતી મહસા અમીનીનું હિજાબ ન પહેરવા બદલ ધરપકડ પછી પોલીસ કસ્ટડીમાં મોત થયું ત્યારબાદ ભારે વિરોધ ફાટી નીકળ્યો છે. હિંસક વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ સાથે સંઘર્ષમાં અત્યાર સુધીમાં ૩૨ લોકોના મોત થઈ ચૂક્યા છે. લાખો લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે.

પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે પાટનગર તેહરાન સહિત ઘણાં શહેરોમાં ઘર્ષણ થયું હતું. પોલીસે પ્રદર્શનકારીઓ પર બળપ્રયોગ કર્યો હતો અને અંધાધૂંધ ફાયરિંગ કર્યું હોવાનો આરોપ પ્રદર્શનકારીઓ લગાવી રહ્યા છે. બીજી તરફ પ્રદર્શનકારીઓ જાહેર પ્રોપર્ટીને નુકસાન કરી રહ્યા હોવાથી તેમને કાબૂમાં રાખવા બળપ્રયોગ થયાનું પોલીસ કહે છે. એ દરમિયાન હજારો પ્રદર્શનકારીઓએ પાટનગર તેહરાનમાં ગાડીઓને આગ ચાંપી હતી. ઠેર-ઠેર આગ લગાવાઈ હતી. એ દરમિયાન પોલીસના ગોળીબારમાં પ્રદર્શનકારીઓનાં મોત થયા હતા. હિંસા શરૂ થઈ ત્યારથી લઈને અત્યાર સુધીમાં કુલ ૩૨ લોકોનાં મોત થઈ ચૂક્યા છે. પોલીસના બળપ્રયોગ બાબતે ઈરાનની દુનિયાભરમાં ટીકા થઈ રહી છે. તેહરાનમાં યુનિવર્સિટી કેમ્પસને પ્રદર્શનકારીઓએ કબજે કરી લીધું હતું અને એ સ્થળે ઉગ્ર દેખાવો કર્યા હતા. ઈરાનના સરકારી મીડિયાએ કહ્યું હતું એ પ્રમાણે પાટનગર તેહરાન સહિત દેશના ૧૩ શહેરોમાં વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યા છે.

(5:27 pm IST)