Gujarati News

Gujarati News

News of Friday, 23rd September 2022

સાઉદી અરબના મદીનામા મળી આવી સોનાની ખાણ

નવી દિલ્હી: સાઉદી અરબના મદીનામાં સોના-તાંબાની ખાણ મળી આવી હતી. તેનાથી સાઉદીને અબજો રૃપિયાનો ફાયદો થશે. વળી, વિદેશી રોકાણ પણ વધશે અને દેશમાં ચાર હજાર જેટલી નવી નોકરીઓનું સર્જન થશે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. સાઉદીના સર્વેક્ષણ વિભાગે ખાણ મળી આવ્યાની જાહેરાત કરી હતી. સાઉદીના મદીના શહેરમાં અબા અલ-રાહા, ઉમ્મ અલ-બરાક શીલ્ડ અને હિઝાઝની સીમા નજીક સોના-તાંબાની ખાણ મળી આવી છે. સાઉદીના જિયોલોજિકલ સર્વેક્ષણ વિભાગના કહેવા પ્રમાણે મદીના શહેરમાં સોનાની ખાણ મળી આવી છે, તેનાથી દેશી-વિદેશી રોકાણકારો માઈનિંગ ક્ષેત્રમાં રોકાણ વધારશે. લગભગ ચારેક હજાર નવી નોકરીઓનું સર્જન થશે. અબજો રૃપિયાનું રોકાણ આવશે. સાઉદીમાં આ ખાણ મળવાના કારણે ખોદકામની સંભાવના વધી જશે. માઈનિંગ સેક્ટરનો વધારે વિકાસ થશે. ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને વિઝન-૨૦૩૦ નામનો પ્રોજેક્ટ શરૃ કર્યો છે. એ અંતર્ગત સાઉદીની ઓઈલ પર નિર્ભરતા ઘટાડીને અન્ય સેક્ટરમાં કેન્દ્રિત કરવાની છે. એમાં માઈનિંગ પણ એક મહત્વનું સેક્ટર છે. સોનાના જથ્થાની બાબતમાં સાઉદી વિશ્વમાં ૧૮મા ક્રમે છે. અરબ દેશોમાં એનો પહેલો ક્રમ છે. નવી સોના-તાંબાની ખાણ મળતા સાઉદીનું સ્થાન વધારે મજબૂત બનશે. સાઉદીએ માઈનિંગ ક્ષેત્રમાં જ ગયા વર્ષે આઠ અબજ ડોલરનું રોકાણ મેળવ્યું હતું. ૨૦૩૦ સુધીમાં માઈનિંગ સેક્ટરમાં ૧૭૦ અબજ ડોલરનું રોકાણ મેળવવાનો લક્ષ્યાંક સાઉદીએ બનાવ્યો છે.

(5:27 pm IST)