Gujarati News

Gujarati News

News of Monday, 24th January 2022

અફઘાનિસ્તાનના હેરત પ્રાંતમાં આઇએસના હુમલામાં સાતના મોત

નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં તાલિબાન અને આઇએસના આતંકીઓ બન્ને વચ્ચે સામસામે હુમલા થઇ રહ્યા છે. હાલ તાલિબાનના હાથમાં સત્તા છે ત્યારે આઇએસ દ્વારા અફઘાનિસ્તાનના નાગરિકો પર હુમલા વધ્યા છે અને તેમાં સૌથી વધુ શીયા મુસ્લિમોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે.

અફઘાનિસ્તાનના હેરાત પ્રાંતમાં આતંકીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં સાત નાગરિકો માર્યા ગયા હતા. જ્યારે 10થી વધુ લોકો ઘવાયા છે. તાલિબાને કબજો કર્યો તે બાદ પ્રથમ વખત હેરાત પ્રાંતમાં આતંકીઓ દ્વારા નાગરિકો પર હુમલો કરવાની ઘટના સામે આવી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આતંકીઓએ એક મિનિબસની ફ્યૂલ ટેંક સાથે બોંબને ફીટ કર્યો હતો. જોકે હુમલાની હજુસુધી કોઇ આતંકી સંગઠને જવાબદારી નથી લીધી પણ તાલિબાનને શંકા છે કે હુમલો આઇએસના આતંકીઓ દ્વારા કરાયો હોઇ શકે છે. તાલિબાન દ્વારા શીયા મુસ્લિમોની સુરક્ષાની માત્ર વાતો કરવામાં આવે છે. જ્યારે બીજી તરફ આઇએસ દ્વારા પ્રકારના હુમલા વધવા લાગ્યા છે.  હેરાત પ્રાંતના એમ્બ્યૂલંસ સર્વિસના ચીફ ઇબ્રાહિમ મોહમ્મદીએ કહ્યું હતું કે જે લોકો ઘવાયા છે તેમાં કેટલાકની સ્થિતિ ગંભીર છે તેથી મૃત્યુઆંક વધી શકે છે. જે સાત લોકો માર્યા ગયા છે તેમાં ચાર મહિલાઓ છે. હેરાત અફઘાનિસ્તાનનું ત્રીજુ સૌથી મોટુ શહેર છે જેમાં હવે આતંકીઓ સક્રિય થઇ ગયા છે.

(10:57 pm IST)