Gujarati News

Gujarati News

News of Thursday, 23rd June 2022

અફઘાનિસ્તાનમાં આવેલ ભૂકંપમાં મ્રુતકઆંક વધીને 1હજારને પાર કરી ગયો

નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં વિનાશકારી ભૂકંપથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.
મૃતકોની સંખ્યા ૧ હજારને પાર પહોંચી ગઈ છે. ખરાબ રીતે પ્રભાવિત પ્રાંતોમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. સૂચના સંસ્કૃતિ વિભાગના પ્રમુખ મોહમ્મદ અમીન હુજૈફાએ કહ્યુ કે, મૃતકોની સંખ્યા સતત વધી રહી છે. લોકો કબર બાદ કબર ખોદી રહ્યા છે. પહાડી ક્ષેત્રમાં ૫.૯ તીવ્રતાના ભૂકંપે લોકોને રસ્તા પર લાવી લીધા છે. પૂર્વ વિસ્તારના લોકો માટે ભૂકંપ તબાહી લઈને આવ્યો છે. તાલિબાનના સત્તામાં આવ્યા બાદથી અહીં લોકો મુશ્કેલ જીવન જીવી રહ્યાં છે. ભૂકંપ બાદ અહીં સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે. પહાડોમાં દુર્ગમ ક્ષેત્રને લઈને નેતા હિબતુલ્લા અખુંદઝાદાએ ચેતવણી આપી છે કે અહીં મૃત્યુઆંક વધી શકે છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલી તસવીરો અને વીડિયો ક્લિપમાં અંતરિયાળ વિસ્તારના ગ્રામીણ વિસ્તારમાં ક્ષતિગ્રસ્ત માટીના ઘરોને દેખાડવામાં આવ્યા છે. કેટલાક ફુટેજમાં સ્થાનીક પીડિતોને સૈન્ય હેલિકોપ્ટરથી લઈ જતા દેખાડવામાં આવ્યા છે. તાલિબાનના એક વરિષ્ઠ અધિકારી અનસ હક્કાનીએ ટ્‌વીટ કરીને કહ્યું કે સરકાર પોતાની ક્ષમતા પ્રમાણે કામ કરી રહી છે. અમને આશા છે કે આંતરરાષ્ટ્રીય સમુદાય અને સહાયતા એજન્સીઓ આ વિકટ સ્થિતિમાં અમારા લોકોની મદદ કરશે. સંયુક્ત રાષ્ટ્ર અને યુરોપીયન યુનિયને મદદની રજૂઆત કરી છે. અફઘાનિસ્તાન માટે ઈયૂના વિશેષ દૂત ટોમસ નિકલાસને ટ્‌વીટ કર્યુ કે, ઈયૂ સ્થિતિ પર નજર રાખી રહી છે અને પ્રભાવિત લોકો અને સમુયાદોની યુરોપીયન યુનિયન ઇમરજન્સી મદદ કરવા અને સમન્વય કરવા માટે તૈયાર છે. મહત્વનું છે કે અફઘાનિસ્તાન ભૂકંપને ઝપેટમાં રહે છે. વિશેષ રૂપથી હિન્દુ કુશ પર્વત હારમાળામાં, જે યુરેશિયન અને ભારતીય ટેક્નોનિક પ્લેટોના જંક્શનની પાસે સ્થિત છે.

 

(7:32 pm IST)