Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

પશ્ચિમ આફ્રિકી દેશ બુર્કિના ફાસોમાં થયેલ હુમલામાં નાના બાળકો સામેલ હોવાનું બહાર આવ્યું હોવાની માહિતી

નવી દિલ્હી: ગત 4 જૂનના રોજ પશ્ચિમ આફ્રિકી દેશ બુર્કિના ફાસો ખાતે ભયાનક હુમલો થયો હતો જેમાં 138 લોકો માર્યા ગયા હતા. સંયુક્ત રાષ્ટ્રના અહેવાલ પ્રમાણે બુર્કિના ફાસો ખાતે થયેલા આ નરસંહારમાં નાના બાળકો સામેલ હતા અને 12થી 14 વર્ષની ઉંમરના બાળકોએ આ હુમલાને અંજામ આપ્યો હતો.

હુમલાખોરોએ સાહેલ યાઘા પ્રાંતના સોલ્હાન ગામમાં હુમલો કર્યો હતો અને ઘરોને પણ આગ ચાંપી દીધી હતી. સરકારી પ્રવક્તા ઓસેની તંબોરાએ પણ હુમલો કરનારાઓમાં મોટા ભાગના બાળકો હતા તેમ સ્વીકાર્યું છે. ઉલ્લેખનીય છે કે, આ ક્ષેત્રમાં અલકાયદા અને આઈએસ જેવા આતંકવાદી સંગઠનો સક્રિય છે. આ આતંકવાદી સંગઠનો મોટા પ્રમાણમાં બાળકોને પોતાના સાથે સામેલ કરે છે.

આ ઘટના બાદ યુનિસેફનું નિવેદન પણ સામે આવ્યું હતું અને તેમાં આતંકવાદી સંગઠનોમાં બાળકોને સામેલ કરવાની આકરી ટીકા કરવામાં આવી છે. સાથે જ તેને બાળકોના મૌલિક અધિકારોનું ઉલ્લંઘન ગણાવાયું છે. ગત વર્ષે કોરોના મહામારી દરમિયાન આ દેશમાં માર્ચથી લઈને જૂન મહિના સુધી દેશભરમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ અનેક બાળકો શાળામાં પાછા નહોતા જોડાયા. યુએનના અહેવાલ પ્રમાણે અત્યાર સુધીમાં આ દેશના 3 લાખ કરતા વધારે બાળકોએ અભ્યાસ છોડી દીધો છે.

(6:23 pm IST)