Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

લ્‍યો બોલો ! ગાજર મળે તો સ્‍માઈલ અને કોબી મળે તો મોઢું મચકોડે! ગર્ભમાં જ શરૂ થઈ જાય છે બાળકોના નખરા

ઈંગ્‍લેન્‍ડમાં આવેલી Durham Universityમાં એક સંશોધન કરવામાં આવ્‍યું છે જેનું પરિણામ અત્‍યંત રસપ્રદ છે : બાળક જયારે ગર્ભમાં હોય ત્‍યારે પણ તે જે તે ખોરાક પ્રત્‍યે પોતાનો અણગમો અને પસંદગી જાહેર કરે છેઃ આ સંશોધન માટે લગભગ ૧૦૦ ગર્ભવતી મહિલાઓના ૪ડી અલ્‍ટ્રાસાઉન્‍ડ સ્‍કેન પર અભ્‍યાસ કરવામાં આવ્‍યો હતો

લંડન,તા. ૨૬ : બાળકનો જન્‍મ થાય અને તેનામાં થોડી સમજ આવે ત્‍યારથી જ તે ખોરાક પ્રત્‍યે પોતાનો ગમો અને અણગમો દર્શાવતા હોય છે. તમે જોયું હશે કે ભાવતી વસ્‍તુ જોઈને તરત મોઢું ખોલશે અને ના ભાવતી વસ્‍તુ ખવડાવવા માટે માતા-પિતાએ ખૂબ મહેનત કરવી પડતી હોય છે. અને બોલતા આવડી જાય પછીની તો વાત જ અલગ છે. પરંતુ ગુરુવારના રોજ એક સંશોધનનું પરિણામ પ્રકાશિત થયું જેના વિશે જાણીને તમને ચોક્કસપણે નવાઈ લાગશે. આ સ્‍ટડી અનુસાર, ગર્ભમાં બાળકને ગાજર મળે તો ખુશી થાય છે અને તેમને કોબી જેવા લીલા શાકભાજી પસંદ નથી હોતા. આટલુ જ નહીં આ વાત તેમના ચહેરા પર સ્‍પષ્ટપણે જણાઈ આવે છે.

ઈંગ્‍લેન્‍ડમાં આવેલી Durham Universityના સંશોધકોએ જણાવ્‍યું કે, આ સંશોધન પ્રથમ પુરાવો છે જે જણાવે છે કે બાળકો જન્‍મ પહેલા પણ ચોક્કસ પ્રકારની સુગંધ અને સ્‍વાદ પર પ્રતિક્રિયા આપે છે. વૈજ્ઞાનિકોની એક ટીમે ૧૦૦ ગર્ભવતી મહિલાઓના 4D અલ્‍ટ્રાસાઉન્‍ડ સ્‍કેનનો અભ્‍યાસ કર્યો અને જાણ્‍યું કે જયારે બાળકને ગાજરનો સ્‍વાદ અથવા સુગંધ મળે છે ત્‍યારે તેમના ચહેરા પર સ્‍માઈલ હોય છે. પરંતુ જયારે કેલ(એક પ્રકારનું કોબી) ફલેવર મળે ત્‍યારે ચહેરા પર ઉદાસી જોવા મળે છે

આ ટીમના એક સંશોધક Beyza Ustun જણાવે છે કે, અનેક અભ્‍યાસમાં દાવો કરવામાં આવ્‍યો છે કે જન્‍મ પહેલા જ ગર્ભમાં પણ બાળક સ્‍વાદ અને સુગંધનો અનુભવ કરી શકે છે. પરંતુ અમારો એકમાત્ર અને પ્રથમ એવો અભ્‍યાસ છે જેમણે આ દાવાનો પુરાવો આપ્‍યો છે. બાળકના જન્‍મ પહેલા જ આ વાતને અમે નોંધી છે. અમારું માનવું છે કે જયારે આ વાત સામે આવી છે તો બાળકને જન્‍મ પહેલા જ કોઈ ચોક્કસ સ્‍વાદનો એક્‍સપોઝર આપીને જન્‍મ પછીની તેની ફૂડ હેબિટને વિકસાવી શકાય છે. જયારે બાળકને પોષણક્ષમ આહારની આદત પાડવાનો અને તેને જંક ફૂડથી દૂર રાખવાનો સમય આવે ત્‍યારે આ ફૂડ હેબિટ કામ લાગી શકે છે.

ઉલ્લેખનીય છે કે માણસો સ્‍વાદ અને ગંધની મદદથી કોઈ પણ ફલેવરનો અનુભવ કરી શકે છે. ભ્રુણ માટે માનવામાં આવતુ હતું કે, ગર્ભમાં Amniotic Fluid લેવાથી અને શ્વાસ લેવાને કારણે તે ફલેવરનો અનુભવ કરી શકતા હશે. ટીમના સભ્‍યોનું માનવું છે કે આ અભ્‍યાસને કારણે માણસોમાં સ્‍વાદની સમજ, ગંધનો સ્‍વીકાર તેમજ યાદશક્‍તિને સમજવામાં ઘણી મદદ મળી શકે છે. એસ્‍ટન યુનિવર્સિટીના પ્રોફેસર અને આ સંશોધનના કો-ઓથર જેકી બ્‍લિસેટ જણાવે છે કે, ગર્ભમાં બાળકને કોબી જેવો ફલેવર અવારનવાર આપવામાં આવે તો તેને ગર્ભાશયમાં જ તેની આદત પડી જાય છે. હવે જોવાની વાત એ છે કે સમયની સાથે તેમનો આ ફલેવર પ્રત્‍યેનો રિસ્‍પોન્‍સ બદલાય છે કે જળવાઈ રહે છે.

(10:51 am IST)