Gujarati News

Gujarati News

News of Friday, 26th November 2021

સ્પેનમાં 30 વર્ષ પહેલા પાણીમાં ડૂબી ગયેલ ગામ ફરીથી જોવા મળ્યું

નવી દિલ્હી: સ્પેનનું લોબોઈસ પ્રાંતનું એસેરેડો ગામ ૩૦ વર્ષ પહેલાં પાણીમાં ડૂબી ગયું હતું. હવે એ ફરીથી સપાટી ઉપર દેખાવા લાગ્યું હતું. આ ગામ પાણીમાંથી બહાર નીકળતા સ્થાનિક લોકોમાં આશ્વર્ય સર્જાયું છે, સાથે સાથે હોલીવૂડની ફિલ્મના સેટ જેવા દૃશ્યો સર્જાયા છે. ૧૯૬૮માં સ્પેન અને પોર્ટુગલ વચ્ચે એક કરાર થયો હતો. જળવિદ્યુત યોજના માટે સ્પેનના લોબોઈસ પ્રાંતનો કેટલોક ભાગ ડૂબાણમાં જતો હતો. લિન્ડોસો ડેમ બનાવવાના હેતુથી એસેરેડો ગામ ડૂબાણમાં ગયું હતું. ૧૯૯૨માં એ યોજના લાગુ થઈ હતી. એ વખતે ગામવાસીઓને રાતોરાત ત્યાંથી અન્ય સ્થળે ખસેડવામાં આવ્યા હતા. લિમિયા નદીનું પાણી આ ગામ પર ફરી વળ્યું હતું. ત્યાર બાદ આ ગામ ડૂબાણમાં ગયું હતું. રાતોરાત ગામવાસીઓને ગામ ખાલી કરાવાયું હતું અને બધાને સલામત સ્થળે વસવાટ કરાવાયો હતો. ગામ પાણીમાં ડૂબી ગયું હતું, પણ હવે એ ફરીથી દેખાવા લાગતા આશ્વર્ય સર્જાયું છે. વાત એમ છે કે જળસ્તર ઘટી જાય છે ત્યારે ગામ દેખાવા લાગે છે. સ્થાનિક લોકો હવે આ ગામને ભૂતિયા ગામ તરીકે ઓળખે છે. પાણીમાંથી બહાર નીકળી આવતું ગામ કોઈ હોલીવૂડની ફિલ્મના સીન જેવું દેખાવા માંડે છે. પાણીમાં સૃષ્ટિ સર્જાઈ ગઈ હોય એવા દૃશ્યો જોવા મળતા હોવાથી લોબોઈસ પ્રાંતના લોકો પણ આ ઘોસ્ટ વિલેજને જોવા ઉમટી પડે છે. સ્થાનિક ફોટોગ્રાફર્સ માટે ય આ ગામની તસવીરો પાડવાનો ક્રેઝ જામ્યો છે.

(6:14 pm IST)