Gujarati News

Gujarati News

News of Friday, 27th January 2023

યુક્રેનને સૈન્ય મદદ મળતા ભડક્યું રશિયા:એકસાથે 55 મિસાઇલો ફેંકી

નવી દિલ્હી: હાલમાં પણ યુક્રેન અને રશિયા વચ્ચે ભયાવહ યુદ્ધની સ્થિતિ યથાવત્ છે. દરમિયાન જર્મનીએ 25 જાન્યુઆરીએ તેની લેપર્ડ-2 ટેન્ક મદદરૂપે યુક્રેનને આપવાનો નિર્ણય કર્યો હતો. જેનાથી રશિયા ભડક્યો હતો. આ અહેવાલ આવતા જ રશિયાએ 25 અને 26 જાન્યુઆરીના રોજ યુક્રેનના શહેરો પર એકસાથે 55 મિસાઈલો ઝિંકી દીધી હતી. આ હુમલામાં 11 લોકો મૃત્યુ પામ્યા. બીજી બાજુ યુક્રેનની એરફોર્સે દાવો કર્યો હતો કે અમે ૫૫માંથી 47 મિસાઈલો તો નષ્ટ કરી દીધી હતી. જોકે યુક્રેન સ્ટેટ ઈમરજન્સી સર્વિસ દાવો કરે છે કે 20 મિસાઈલોએ રાજધાની કીવને નિશાન બનાવ્યું હતું. એક અધિકારીએ જણાવ્યું કે ખેરસોન, હ્લેવાખા સહિત 11 વિસ્તારોને આ મિસાઈલો દ્વારા નિશાન બનાવાયા હતા. તેમાં 35 જેટલી ઈમારતોને નુકસાન થયું હતું. જેમાં 11 લોકોએ જીવ ગુમાવ્યા. જ્યારે આજે કેનેડાએ જાહેરાત કરી હતી કે તે પણ યુક્રેનને 4 લેપર્ડ-4 ટેન્ક આપશે. આ મામલે સંરક્ષણમંત્રી અનિતા આનંદે માહિતી આપી હતી. યુક્રેનને આશા છે કે આ ટેન્ક રશિયા વિરુદ્ધની લડાઈમાં ગેમચેન્જર સાબિત થઈ શકે છે. જોકે રશિયા દાવો કરે છે કે આ ટેન્ક પણ બાકીઓની જેમ નષ્ટ કરી નાખીશું. 

(4:55 pm IST)