Gujarati News

Gujarati News

News of Saturday, 28th May 2022

ઇન્ડોનેશિયામાં લગ્નેતર સંબંધોને લઈને થયા વલણ વધુ કડક

નવી દિલ્હી: મુસ્લિમ બહુમતી ધરાવતા દેશ ઈન્ડોનેશિયાની સંસદ એક બિલ પસાર કરવાની તૈયારીમાં છે. જે પ્રમાણે લગ્નેતર સંબંધોને ગુનો માનવામાં આવશે. ઈન્ડોનેશિયાની સંસદમાં આ બિલ પર હાલ ચર્ચા જારી છે. જો આ બિલ પસાર થશે તો દેશમાં અપ્રાકૃતિક યૌન સંબંધ અને સમલૈંગિક સંબંધોને ગેરકાયદેસર જાહેર કરવામાં આવશે. આ બિલે માનવધિકાર કાર્યકરતાઓની ચિંતા વધારી દીધી છે. કારણ કે તેમને ચિંતા છે કે આ બિલ પસાર થયા બાદ લગ્નેતર સંબંધ અને સમલૈંગિક સંબંધો રાખનાર લોકો સામે હિંસામાં વધારો થઈ શકે છે. હાલમાં ઈન્ડોનેશિયામાં લગ્નેતર સંબંધો કે સમલૈંગિક સંબંધો રાખવા ગેરકાયદેસર નથી. પરતું ઈસ્લામ ધર્મના કેટલાક લોકો આ બાબતને દુષ્ટતા તરીકે જુવે છે. ઈન્ડોનેશિયાના આચેહ રાજ્યમાં શરિયા કાનુન લાગુ છે. અહીં લગ્નેતર સંબંધો અને સમલૈંગિક સંબંધોને અપરાધ માનવામાં આવે છે અને આવા કૃત્ય કરનાર વ્યકિતને 100 કોરડા સુધીની સજા ફટકારવામાં આવે છે. સ્થાનિક અખબાર પ્રમાણે ઇન્ડોનેશિયાના સાંસદ કુર્નિયાસિહ મુફિદાયતીએ બિલ વિશે વાત કરતા કહ્યું કે દેશના ક્રિમિનલ કોડમાં સુધારો કરવા માટે નવું બિલ લાવવામાં આવ્યું છે. જેમાં એવી જોગવાઈઓ સામેલ કરાઈ છે કે જે લગ્નેતર સંબંધો અને સમલૈંગિક સંબંધોને અપરાધ જાહેર કરશે. આ બિલને જુલાઈ મહિલામાં પસાર કરવામાં આવશે. એક સાંસદે જણાવ્યું કે આવા સંબંધો રાખવા દેશના બંધારણની વિરૂધ છે.

 

(6:18 pm IST)