Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

ચીને ભારત સરહદ નજીક સૈન્ય ક્ષમતામાં મોટો વધારો કર્યો હોવાની માહિતી

નવી દિલ્હી: ચીન ભારત સાથે યુદ્ધની તૈયારી કરી રહ્યું હોય તેમ સરહદે પોતાની સૈન્ય તાકાત દિવસે ને દિવસે વધારી રહ્યું છે. છેલ્લા બે વર્ષમાં ભારતીય સરહદ નજીક ચીને મિસાઇલ, ટેંકો, તોપો સહિતની સુવિધાઓ વધારી દીધી છે.

ચીન સૈન્યએ છેલ્લા બે વર્ષમાં પોતાની જે ક્ષમતા વધારી દીધી છે તેમાં ફાયર પાવરનો પણ સમાવેશ થાય છે. સાથે સાથે સૈનિકોની સંખ્યા પણ ૨૦ હજાર હતી તેને વધારીને ૧ લાખ ૨૦ હજાર કરી દેવામાં આવી છે.

 આ સાથે જ ટેંકો, તોપો, મિસાઇલો અને રોકેટ લોન્ચર્સ પણ અહીંયા તૈનાત કરી દેવામાં આવ્યા હોવાના અહેવાલો છે. અગાઉ જે પણ હથિયારો હતા તેને અપગ્રેડ કરીને નવા હથિયારો ખડકી દેવાયા છે. 

ચીને લાઇન ઓફ એક્ચુઅલ કંટ્રોલથી માત્ર ૧૦૦ કિમીની રેંજમાં દુર સુધી હુમલો કરવા સક્ષમ તોપખાના, રોકેટ સિસ્ટમ અને એડવાંસ એર ડિફેંસ સિસ્ટમ, રનવે અપગ્રેડેશન અને લડાકુ વિમાનોને રાખવા માટેના હાર્ડ એંટી બ્લાસ્ટ શેર્ટર્સનું નિર્માણ કર્યું છે. તેના પરથી સ્પષ્ટ થાય છે કે ચીન સરહદે પોતાની ક્ષમતા વધારીને આ વિસ્તારનું સૈન્યકરણ કરી રહ્યું છે. જેનાથી ભારતની મુશ્કેલીઓ વધી શકે છે. જોકે ભારત તરફથી પણ પોતાની ક્ષમતાઓમાં ઘણો વધારો આ વિસ્તારમાં કરવામાં આવ્યો છે. 

(5:50 pm IST)