Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

તાલિબાને કાબુલ યુનિવર્સીટીમાં છોકરીઓના પ્રવેશ પર મુક્યો પ્રતિબંધ

નવી દિલ્હી: તાલિબાન રાજમાં મહિલાને જીવવું દિવસેને દિવસે કઠિન થઈ રહ્યું છે. તાલિબાને અફઘાન પર કબ્જો કર્યા બાદ ફરી પાછો તેનો ક્રૂર ચહેરો દુનિયા સામે આવ્યો છે. હાલ તાલિબાનોએ કાબુલ યુનિવર્સિટીમાં છોકરીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. તાલિબાને તાજેતરમાં નવા કુલપતિની નિમણૂક કરી છે. નવા કુલપતિએ તેમની નિમણૂક બાદ જાહેરાત કરી છે કે જ્યાં સુધી યુનિવર્સિટીમાં ઇસ્લામિક વાતાવરણ ન બને ત્યાં સુધી છોકરીઓ અને મહિલાઓના પ્રવેશને ત્યાં પ્રતિબંધિત કરવામાં આવશે. એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, 'નવા કુલપતિએ ટ્વિટ કર્યું છે કે,' ઇસ્લામિક વાતાવરણ ન બને ત્યાં સુધી કાબુલમાં કોઈ મહિલા વર્ગને કામ કરવા કે ભણવા માટે આવવાની મંજૂરી નથી. 1990 માં જ્યારે તાલિબાનોએ અફઘાનિસ્તાન પર શાસન કર્યું ત્યારે પણ મહિલાઓને જાહેર સ્થળોએ બહાર જવાની મનાઈ હતી. આવું ન કરવા બદલ તેમને માર પણ મારવામાં આવ્યો હતો. 'એક મહિલા પ્રોફેસરે કહ્યું કે, 'આ પવિત્ર સ્થળે ગેર ઈસ્લામિક કાર્ય કશું થતું નથી. અહીંના વક્તાઓ, શિક્ષકો, ઇજનેરો અને મુલ્લાઓ બધા શિક્ષિત હોય છે. કાબુલ યુનિવર્સિટી અફઘાનિસ્તાન રાષ્ટ્રનું ઘર છે. તાજેતરમાં, તાલિબાને પીએચડી ડિગ્રી ધારક વાઇસ ચાન્સેલરનું સ્થાન છીનવી લીધું અને તે બીએની ડિગ્રી ધરાવતા મોહમ્મદ અશરફ ઘૈરાતને આપ્યું. તાલિબાનના આ નિર્ણય બાદ કાબુલ યુનિવર્સિટીના 70 જેટલા શિક્ષકો અને અધ્યાપકોએ તેમના હોદ્દા પરથી રાજીનામું આપ્યું હતું.'

(7:04 pm IST)