Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

વૈજ્ઞાનિકોએ 3ડી પ્રિન્ટેડ વેક્સીન પેચ વિકસાવ્યો હોવાની માહિતી

નવી દિલ્હી  : વૈજ્ઞાનિકોએ 3ડી પ્રિન્ટેડ વેક્સિન પેચ વિકસાવ્યો છે, જે સામાન્ય ઇમ્યુનાઇઝેશન કરતાં વધુ સુરક્ષા આપે છે. અમેરિકાની સ્ટેનફર્ડ યુનિવર્સિટીની ટીમ અને યુનિવર્સિટી ઓફ નોર્થ કેરોલિનાએ વેક્સિન પેચને સીધો પ્રાણીઓની ચામડી પર લગાવ્યો હતો. શરીરનો આ ભાગ ઇમ્યુનિટીના કોષોથી ભરપૂર હોવાથી અહીં વેક્સિન આપવાને લીધે તેની મહત્તમ અસર થાય છે. હાથના સ્નાયુમાં ઇન્જેક્શન દ્વારા અપાયેલી વેક્સિનની તુલનામાં આ પેચ ૧૦ ગણો વધુ ઇમ્યુન રિસ્પોન્સ આપે છે એવો અભ્યાસ 'પ્રોસિડિંગ્સ ઓફ નેશનલ એકેડેમી ઓફ સાયન્સિસ' જર્નલમાં પ્રકાશિત કરાયો છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર વેક્સિન પેચમાં વેક્સિન-કોટેડ માઇક્રોનીડલ્સ હોય છે, જે ચામડીમાં ઓગળી જાય છે અને તેને કોઈ વિશિષ્ટ સંભાળ વગર વિશ્વમાં ગમે ત્યાં મોકલી શકાય છે. લોકો જાતે ચામડી પર આ પેચ લગાવી શકે છે. નવી ટેક્નિકમાં ૩ડી પ્રિન્ટેડ માઇક્રોનીડલ્સનો પોલિમર પેચ પર ઉપયોગ કરવામાં આવે છે અને આ નીડલ્સ વેક્સિન આપવા માટે માંડ ચામડી સુધી પહોંચે એટલી લાંબી હોય છે. સ્ટેનફર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર અને અભ્યાસના મુખ્ય નિષ્ણાત જોસેફ એમ ડિસિમોને જણાવ્યું હતું કે, 'આ ટેક્નોલોજીના વિકાસથી અમને આશા છે કે, વૈશ્વિક વેક્સિન વધુ ઝડપથી વિકસાવવાનો પાયો તૈયાર કરી શકાશે. ખાસ કરીને ચિંતા અને દુખાવા વગર ઓછા ડોઝની મદદથી વેક્સિનની અસરકારકતા વધારવામાં મદદ મળશે.'

(7:05 pm IST)