Gujarati News

Gujarati News

News of Saturday, 29th May 2021

ઓસ્ટ્રેલિયાના આ શહેરમાં ઉંદર મચાવી રહ્યા છે આતંક : લોકોને છે પ્લેગનો ખતરો

નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયાના ન્યુ સાઉથ વેલ્સમાં મહાકાય ઉંદરોથી શહેરના લોકો ત્રસ્ત થઈ ગયા છે તેમજ પ્લેગ ફેલાવાનો ખતરો ઝળુંબી રહ્યો છે. આ ઉપરાંત ખેતરોમાં રહેલા ઉભા પાકને પણ ઉંદરોએ સફાયો કરી દેતા કરોડોના નુકસાનનો આંકડો મુકાઈ રહ્યો છે. ન્યુ સાઉથ વેલ્સના લોકોએ પોતાની આપવિતી જણાવતા કહ્યું કે, રાત્રે તેમના ઘરમાં કારપેટ નીચે સંખ્યાબંધ ઉંદરો ફરતા જોવા મળે છે તેમજ ઘરની છત પર ઉંદરોના પગના અવાજ પણ સંભળાય છે. એક પરિવારે એવો દાવો કર્યો હતો કે તેમના ઘરના ઈલેક્ટ્રિક વાયર પણ ઉંદરો ચાવી ગયા હતા અને શોર્ટસર્કિટને લીધે ઘરમાં આગ લાગી હતી.

સ્થાનિકોના મતે દિવસ દરમિયાન દરમાં છૂપાઈને રહેતા લાખો ઉંદરો રાત્રે સક્રિય થઈ જાય છે અને ઉધમ મચાવે છે. રસ્તા પર મરેલા ઉંદરોને જોઈને પક્ષીઓ તેને ખાવા પડાપડી કરતા પણ જોવા મળે છે. લોકો પોતાના ઘરમાં ઝેરી પદાર્થ રાખીને ઉંદરોને મારવા પ્રયાસ કરે છે પરંતુ તે પુરતું નથી. લાખોની સંખ્યામાં ઉંદરો રાત્રે લોકોના ઘરોમાં મળમૂત્રન ત્યાગ કરતા હોવાથી લોકોના માથે પ્લેગનું સંકટ ઘેરું બની રહ્યું છે.

(6:17 pm IST)