Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

ઓએમજી.....ભૂલથી આ શખ્સના ખાતામાં આવી ગયો 286 મહિનાનો એક સાથે પગાર

નવી દિલ્હી: નોકરી સરકારી હોય કે પછી પ્રાઇવેટ પણ મહિનાના આખરે તો લોકો સેલરીની રાહ જોતા હોય છે, સેલરી ખાતામાં આવતાની સાથે જવાબદારીઓ પુરી કરવા લાગી જઇએ છીએ, ત્યારે જો તમારા ખાતામાં થોડી વધુ સેલરી આવી જાય એની ખુશી કંઇક અલગ જ હોય છે. હા પણ જો તમારા ખાતામાં સેલરી એક બે મહિનાની નહી પણ 286 મહિનાનો પગાર જો એકસાથે આવી જાય તો? વધુ ના વિચારો કારણ કે આ ઘટના બની છે, ચિલીના એક વ્યક્તિ સાથે ...અહેવાલો અનુસાર, ગયા મહિને ચિલીની એક કંપનીના કર્મચારીના ખાતામાં 286 મહિનાનો પગાર એક જ વારમાં જમા થયો હતો. મજાની વાત એ છે કે જ્યારે કર્મચારીને પૈસા પરત કરવાનું કહેવામાં આવ્યું ત્યારે તેણે કંપનીને વચન આપ્યું હતું કે તે જલ્દી પૈસા પરત કરી દેશે, પરંતુ તક જોઈને તે ગાયબ થઈ ગયો. 

રમુજી એવી આ ઘટના જાણીને તમને પણ નવાઇ લાગી હશે. કંપનીના અધિકારીઓનું કહેવું છે કે, જ્યારે તેમને ખબર પડી કે કર્મચારીના ખાતામાં 286 મહિનાનો પગાર ક્રેડિટ થયો છે તો તેમણે તે કર્મચારીનો સંપર્ક કર્યો, તેને પૈસા પરત કરવા માટે કહેવામાં આવ્યું, કર્મચારી પણ પૈસા પરત કરવા માટે રાજી થઈ ગયો. પરંતુ તે ગાયબ થઈ ગયો. કંપનીમાંથી રાજીનામું આપ્યા બાદ તેઓ ક્યાં ગયા તે અંગે કોઈ પાસે વધુ માહિતી નથી. અહેવાલો અનુસાર, Consorcio Industrial de Alimentos નામની ચિલીની એક કંપનીએ તેના એક કર્મચારીના ખાતામાં 5 લાખ પેસોના બદલે એટલે કે 43 હજાર રૂપિયાના બદલે 16.43 કરોડ પેસો મોકલ્યા હતા. જે ભારતીય રૂપિયા પ્રમાણે લગભગ 1.42 કરોડ રૂપિયા થાય. આ મામલો સામે આવ્યા બાદ કંપનીએ ઉક્ત કર્મચારી સાથે વાત કરી, કર્મચારી બેંકમાં પણ ગયો અને વધારાના પૈસા પરત કરવાનું કહ્યું, પરંતુ તેણે તેમ કર્યું નહીં. કંપની તે કર્મચારીની રાહ જોતી રહી, પરંતુ પૈસાના બદલામાં તે કર્મચારીએ પોતાનું રાજીનામું મોકલી આપ્યું.

(6:29 pm IST)