Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

યુગાન્ડાના એરપોર્ટ પર ચીને જમાવ્યો કબ્જો

નવી દિલ્હી: દેવાંની જાળમાં ફસાયેલા આફ્રિકન દેશ યુગાન્ડાએ તેનું ઇન્ટરનેશનલ એરપોર્ટ ચીનને સોંપી દેવું પડ્યું છે, કેમ કે યુગાન્ડા સરકાર ચીને આપેલી લોન ભરપાઇ કરવામાં નિષ્ફળ રહી છે. 2015માં ચીનની એક્ઝિમ બેન્કે યુગાન્ડાને 2% વ્યાજે 20 વર્ષ માટે 20.7 કરોડ ડોલર (1500 કરોડ રૂ.)ની લોન એરપોર્ટના વિસ્તરણ માટે આપી હતી. તેમાં છૂટછાટના 7 વર્ષ પણ સામેલ હતા. યુગાન્ડા સરકારે લોન લેતી વખતે કરારમાંથી આં.રા. હસ્તક્ષેપ સંબંધી જોગવાઇ હટાવી દીધી હતી. લોન લીધા બાદ યુગાન્ડા કરારની શરતો પાળી ન શક્યું. એક અખબારી અહેવાલ મુજબ હવે યુગાન્ડા સરકાર ચીન સાથેના તે કરારમાં ફેરફારની માગ કરી રહી છે, જેથી દેશના એકમાત્ર આં.રા. એરપોર્ટનું નિયંત્રણ તેની પાસે રહે. યુગાન્ડા સરકાર જે શરતોમાં ફેરફાર ઇચ્છે છે તેમાં યુગાન્ડા સિવિલ એવિયેશન ઓથોરિટીએ તેના બજેટ તથા વ્યૂહાત્મક યોજનાઓ માટે લોન આપનારની મંજૂરી લેવી જરૂરી છે. અન્ય એક નિયમ મુજબ લોનની શરતો મુજબ કોઇ પણ વિવાદની સ્થિતિમાં ચીન આં.રા. આર્થિક અને વ્યાપાર મધ્યસ્થી પંચ ઉકેલ લાવશે.

 

(5:42 pm IST)