Gujarati News

Gujarati News

News of Tuesday, 29th November 2022

અમેરિકામાં 90 હજાર ઘરોની વીજળી થઇ ગુલ

નવી દિલ્હી: અમેરિકાના મેરીલેન્ડ કાઉન્ટીમાં રવિવારે સાંજે એક મોટી દુર્ઘટના ઘટી હતી. અહીં એક મીની પ્લેન દુર્ઘટનાનો શિકાર થયું હતું અને વીજળીના થાંભલામાં જઈને ફસાઈ ગયું હતું. મેરીલેન્ડ કાઉન્ટીના અધિકારીએ જાણકારી આપી હતી કે, વિમાનમાં સવાર બે યાત્રિકોને કોઈ નુકશાન પહોચ્યું નહતું. આ વિમાન વીજળીના થાંભલામાં જઈને ફસાયું હોવાથી આખા વિસ્તારની લાઈટોને થોડા સમય માટે બંધ કરી અને વિમાનને બહાર કઢાયું હતું.  પ્રાપ્ત થતી માહિતી અનુસાર, વ્હાઈટ પ્લેનસ ન્યુયોર્કથી રવાના થયેલા એક એિંન્જનવાળા વિમાનને રવિવારે દુર્ઘટનાનો સામનો કરવો પડયો હતો. આ વિમાન સાંજે ૫:૪૦ વાગે ગૈથર્સબર્ગના મોન્ટગોમરી કાઉન્ટી એરપાર્ક પાસે દુર્ઘટનાગ્રસ્ત થઈને વીજળીના તારમાં ફસાઈ ગયું હતું. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને જણાવ્યું કે, વિમાનમાં બે યાત્રિકો સવાર હતાં અને તેઓ સુરક્ષિત છે. મેરીલેન્ડ સ્ટેટ પોલીસે આ યાત્રિકોની ઓળખ પેટ્રિક મર્કલ અને જેન વિલિયમ્સ તરીકે કરી છે. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને દુર્ઘટનાગ્રસ્ત વિમાનની ઓળખ મૂની એમ-૨૦ તરીકે કરી છે. તેમના જણાવ્યા અનુસાર દુર્ઘટનાનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. એફ.એ.એ અને નેશનલ ટ્રાંસપોર્ટેશન સેફટી બોર્ડ આ સમગ્ર ઘટનાની તપાસ કરશે. અધિકારીઓએ જણાવ્યું કે, વિમાન વીજળીના થાંભલામાં ફસાયું હોવાથી મોન્ટગોમરી કાઉન્ટીના ૯૦,૦૦૦ થી વધુ ઘરોની વીજળી કાપી નાખવામાં આવી હતી અને વિમાનને સુરક્ષિત રીતે કાઢવામાં આવ્યું હતું.  

(5:49 pm IST)