Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

બ્રિટનમાં આવેલ બરફના તોફાનના કારણોસર 5 હજારથી વધુ વૃક્ષો થયા ધરાશાયી

નવી દિલ્હી: બ્રિટનમાં આવેલા બરફના તોફાન અર્વિને કેર વર્તાવ્યો છે. તેની હવાની ઝડપ 160 કિ.મી. પ્રતિકલાકની રહી હતી. તોફાનને કારણે 5 હજારથી વધુ વૃક્ષો ધરાશાયી થઈ ગયા અને વીજળીના થાંભલા પણ પડી ગયા. વીજળીની લાઈનો કપાઈ ગઈ. જેના લીધે 2.5 લાખ મકાનોમાં વીજળી ડૂલ થઈ ગઈ હતી. તોફાનથી થયેલી દુર્ઘટનાઓમાં 3 લોકો મૃત્યુ પામી ગયા. તેમાં એક દુર્ઘટના આયરલેન્ડમાં થઈ હતી. જ્યાં કાર પર વૃક્ષ પડતા તેમાં સવાર વ્યક્તિ મૃત્યુ પામી હતી. એક અન્ય વ્યક્તિ કુમ્બ્રિયામાં વૃક્ષ નીચે દટાઈ જતા મૃત્યુ પામી હતી. ત્રીજી ઘટના એબર્ડીનશાયરની છે જ્યાં કાર પર વૃક્ષ પડતા યુવક મૃત્યુ પામ્યો હતો.

હિમવર્ષાથી તાપામાન શૂન્ય નીચે ગગડી ગયું છે. હવામાન વિભાગે સ્થિતિને જોતાં ઈંગ્લેન્ડ, વેલ્સ અને આયરલેન્ડમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. લોકોને કહ્યું છે કે તે ઘરોમાં રહે અને ડ્રાઈવિંગથી બચે, કેમ કે માર્ગો પર બરફથી લપસવાનો ભય છે. વૃક્ષો ધરાશાયી થતા દુર્ઘટના સર્જાઈ શકે છે.

(5:44 pm IST)