Gujarati News

Gujarati News

News of Thursday, 30th November 2023

અમેરિકાએ તૈનાત કરેલ એરક્રાફ્ટ કેરિયર પરથી ઈરાનનું ડ્રોન ઉડ્યું હોવાના સમાચાર

નવી દિલ્હી: ઈઝરાયેલ અને હમાસના યુધ્ધ બાદ મિડલ ઈસ્ટમાં અમેરિકાએ તૈનાત કરેલા જંગી એરક્રાફ્ટ કેરિયર યુએએસ આઈઝનહોવરની  ઈરાને ડ્રોન વડે જાસૂસી કરીને અમેરિકાને ચોંકાવી દીધુ છે. ઈરાને ડ્રોન દ્વારા લેવાયેલા વિડિયો ફૂટેજ પણ જાહેર કરાયા છે અને સૌથી વધારે ધ્યાન ખેંચનારી વાત છે કે, ડ્રોન દ્વારા થઈ રહેલી જાસૂસીની અમેરિકાના યુધ્ધ જહાજને ગંધ પણ નહોતી આવી. આ ઘટના અમેરિકન યુધ્ધ જહાજોની સુરક્ષાને લઈને મોટા સવાલો ઉભા કરી રહી છે. ઈરાને ડ્રોન ટેકનોલોજીમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ભારે પ્રગતિ કરી છે અને તેના કારણે અમેરિકાને ચિંતા થાય તે સ્વાભાવિક છે. રશિયા અને યુક્રેન યુધ્ધ બાદ દુનિયાને ડ્રોનની વિનાશકતાનો એમ પણ પરચો મળી ચુકયો છે. ઈરાને જાહેર કરેલા વિડિયોમાં ઈરાનના ડ્રોનને અમેરિકાના યુધ્ધ જહાજ પર તૈનાત વિમાનોને ટાર્ગેટ કરતા પણ જોઈ શકાય છે. ડ્રોન દ્વારા જાસૂસી કરાઈ ત્યારે અમેરિકન યુધ્ધ જહાજો હોર્મુઝ સ્ટ્રેટમાં થઈને ઈરાનના અખાતમાં પ્રવેશ કરી રહ્યા હતા. ઈરાનની નેવીએ આ ડ્રોન ફૂટેજને અમેરિકા માટે મોટી ચેતવણી સમાન ગણાવ્યા છે. ઈરાનના ડ્રોન અત્યંત નજીકથી અમેરિકન યુધ્ધ જહાજ આઈઝનહોવરની ઉપરથી પસાર થયા હતા અને તે સમયે આ યુધ્ધ જહાજની સાથે અમેરિકાના બીજા ગાઈડેડ મિસાઈલ જહાજો તથા ડિસ્ટ્રોયર પ્રકારના જહાજો પણ પસાર થઈ રહ્યા હતા.

 

(6:31 pm IST)