Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

લીબીયામાં 'કિલર રોબોટ'એ ઓર્ડર વગર જ માણસનો શિકાર કર્યો

મિલિટ્રી કમાન્ડરની હત્યા કરી નાખી

લંડન,તા. ૩૧: લડાકુ રોબોટ મનુષ્ય માટેનો સૌથી મોટો ખતરો બની શકે છે. આ રોબોટને 'કિલર રોબોટ્સ' પણ કહેવામાં આવે છે. યુએન એ કહ્યું છે કે તેની શરૂઆત પણ થઈ ગઈ છે, કારણ કે કિલર રોબોટ્સે આફ્રિકાના અશાંત દેશ લિબિયામાં પોતાનો પ્રથમ શિકાર કરી લીધો છે, તે પણ માનવ નિયંત્રણ વગર. જી હા, આ સાંભળવામાં થોડુ વિચિત્ર લાગશે, પરંતુ આ તદ્દન સત્ય છે.

સંયુકત રાષ્ટ્રએ પોતાની રિપોર્ટમાં દાવો કર્યો છે કે એક ઇન્ડિપેન્ડેટ કિલર ડ્રોને લિબિયામાં મનુષ્યની પરવાનગી વગર જ પોતાના શિકારને શોદ્યો અને તેને ખતમ પણ કરી નાંખ્યો. જણાવી દઇએ કે, વર્ષ ૨૦૧૯માં સંયુકત રાષ્ટ્રમાં કિલર રોબોટને લઇ એક પ્રસ્તાવ રજૂ કરાયો હતો. પરંતુ તેનો તીખો વિરોધ થયો હતો અને વર્ષ ૨૦૨૦માં થયેલ વોટિંગમાં કિલર રોબોટને ખારીજ કરી દેવામાં આવ્યો હતો.

યૂએન સિકયોરિટી કાઉન્સિલની આ રિપોર્ટ માર્ચ ૨૦૨૧માં આવી હતી. જેમા જણાવાયું હતું કે વર્ષ ૨૦૨૦માં લિબિયામાં Kargu-2 નામના કિલર ડ્રોને આ કારનામાને અંજામ આપ્યો હતો. આ ડ્રોન તુર્કિશ મિલિટ્રી ટેકનોલોજી કંપની એસટીએમે બનાવ્યો હતો.

કાર્ગુ-૨ ડ્રોન વિસ્ફોટકથી લેસ રહે છે અને પોતાનો શિકાર શોધીને તેને ખતમ કરી નાંખે છે. આ ડ્રોન કમિકેજ સ્ટાઇલ એટેક એટલે સુસાઇડ એટેક કરે છે. લિબિયામાં આ હુમલો સરકારી સેના અને ખાલિફા હાફારની લિબિયન નેશનલ આર્મી વચ્ચેની લડાઇમાં થયો.

ડ્રોને પહેલાથી જ નક્કી કરેલા શિકારને પોતે જ શોધી લીધો અને તેના પર હુમલો કરી તેનો જીવ લઇ લીધો. ડ્રોને જેને પોતાનો શિકાર બનાવ્યો તે એક મિલિટ્રી કમાન્ડર હતો અને લડાઇમાં મહત્વનું સ્થાન ધરાવતો હતો. જણાવા દઇએ કે વર્ષ ૨૦૨૦માં યૂએનમાં થયેલ ચર્ચામાં ૩૦ દેશોના રોબોટને હથિયારથી લેસ કરવાનો વિરોધ થયો હતો.

(4:35 pm IST)