Gujarati News

Gujarati News

News of Saturday, 31st July 2021

પાકિસ્તાનના ઘણા પ્રાંતોમાં વીજળી ગુલ થતા લોકો રોષે ભરાયા

નવી દિલ્હી: પાકિસ્તાનના ઘણાં પ્રાંતોમાં વીજળી વારંવાર ગૂલ થઈ જતી હોવાની વ્યાપક ફરિયાદ ઉઠી છે. બલુચિસ્તાનમાં વીજળી ગૂલ થતાં લોકો રોષે ભરાયા હતા. ઈમરાન ખાનની સરકારના વિરોધમાં લોકોએ પ્રદર્શનો કર્યા હતા. પાકિસ્તાનમાં ગેસ, શાકભાજી, અનાજ વગેરેના ભાવ ખૂબ વધી જતાં લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. એમાં હવે પાવર કટની સમસ્યા સર્જાવા લાગતા લોકોમાં ભારે આક્રોશ ફેલાયો છે. બલૂચિસ્તાનના કેટલાય જિલ્લામાં ૧૮-૧૮ કલાક વીજળી રહેતી નથી. માત્ર છ જ કલાક વીજ પૂરવઠો મળતો હોવાથી લોકોએ ઈમરાન ખાનની સરકાર સામે આકરો વિરોધ કર્યો હતો. લોકો બેનરો લઈને રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા અને ઈમરાન ખાનના વિરોધમાં સૂત્રોચ્ચારો કર્યા હતા. કેચ, ગ્વાદર, પંજગૂર વગેરે વિસ્તારોમાં સરકાર સામે ભારે વિરોધ પ્રદર્શનો જોવા મળ્યા હતા. વીજળીના ધાંધિયા માત્ર અંતરિયાળ વિસ્તારોમાં જ જોવા નથી મળતા, ઈસ્લામાબાદ, કરાચી, પેશાવર, મુલતાન જેવા જાણીતા શહેરોમાં પણ વારંવાર વીજળી ચાલી જતાં અંધારપટ્ટ થઈ જાય છે. પાકિસ્તાનમાં મોંઘવારી ઉપરાંત વીજળીનું સંકટ વધારે ને વધારે ઘેરું બનતું જાય છે.

 

(4:24 pm IST)