Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

દક્ષિણ આફ્રિકામાં કોરોનાના કેસમાં ઘટાડો થતા રાત્રી કર્ફ્યુ દૂર કરવામાં આવ્યું

નવી દિલ્હી: વિશ્વમાં ઓમિક્રોન સંક્રમણ ફેલાવાની સાથે કોરોનાના કેસોમાં ઝડપી વધારો નોંધાયો છે, ત્યારે બીજી બાજુ દક્ષિણ આફ્રિકાએ કોરોનાની ચોથી લહેરને પાર કરી લીધી છે. જે પછી દક્ષિણ આફ્રિકામાં તત્કાળ અસરથી રાત્રિ કરફ્યુ ઉઠાવી લેવામાં આવ્યો છે. અહીં રાત્રિ કરફ્યુ મોડી રાત સુધી સવારે ચાર કલાક સુધી લાગુ હતું. દેશમાં રસીકરણ અને આરોગ્યની ક્ષમતાઓને આધારે રોગચાળાને લઈને લાગુ થયેલા પ્રતિબંધોમાં કેટલાક બદલાવ કરવામાં આવ્યા છે. દેશમાં કોરોનાના કેસ નીચલા સ્તરે પહોંચ્યા છે. બધા સંકેત બતાવી રહ્યા છે કે દેશે ચોથી લહેરને પાર કરી લીધી છે. 25 ડિસેમ્બરથી નવા કેસોમાં 29.7 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે, એમ સરકાર દ્વારા જારી કરવામાં આવેલું નિવેદન કહે છે. આ સિવાય દક્ષિણ આફ્રિકામાં જાહેર પ્રતિબંધો પણ દૂર કર્યા છે. નવા નિયમ મુજબ હોલમાં કે જાહેર જગ્યાએ 2000 લોકો સભા કરી શકે છે. આ સિવાય કેટલીક શરતોને આધીન દારૂની દુકાનો 11 કલાક સુધી ખૂલી રહી શકશે. દક્ષિણ આફ્રિકા સરકારે એક નિવેદનમાં કહ્યું હતું કે ઓમિક્રોન વેરિયેન્ટ અન્ય વેરિયેન્ટથી અનેક ગણું વધુ સંક્રમક છે, તેમ છતાં અગાઉની કોરોનાની લહેરની તુલનાએ આ વખતે હોસ્પિટલમાં દાખલ થવાવાળાઓની સંખ્યામાં ઘટાડો થયો છે.

(6:01 pm IST)