દેશ-વિદેશ
News of Tuesday, 2nd August 2022

યુદ્ધ દરમ્યાન પીડા ઓછી કરવા યુક્રેનના ગામવાસીઓની મદદ કરી રહ્યા છે આ સંગીતના સુર રેલાવતા યુવાઓ

નવી દિલ્હી: યુક્રેન અને રશિયા વચ્ચેનું યુધ્ધ અવિરત ચાલું છે. હજુ પણ કોઇ અંત તરફ જઇ રહયું હોય તેમ જણાતું નથી. યુક્રેનના ચેર્નિહીવ શહેરની નજીક આવેલા યાહિદને નામના ગામના પુનરોધ્ધાર માટે મથી રહેલા ૨૦૦ જેટલા યુવાનોએ ધ્યાન ખેંચ્યું છે. મોટા ભાગના ૨૫ થી ૩૦ વર્ષના છે. આમ તો બરબાદીનો કાળમાળ સમગ્ર યુક્રેનમાં વેરાયેલો છે પરંતુ યાહિદને ગામ યુક્રેનને ફરી બેઠું કરવાના પ્રયાસના પ્રતિક તરીકે જોવામાં આવી રહયું છે. યાહિદને ગામવાસીઓએ એક સાંસ્કૃતિક કેન્દ્ર તૈયાર કર્યુ હતું. માર્ચ મહિનામાં રશિયાના રોકેટ હુમલામાં બરબાદ થઇ ગયું. યુક્રેનના આ યુવાનોએ એવી નેમ લીધી છે કે ભલે પોતાના દેશની ઇમારતો તોડી પાડવામાં આવી હોય પરંતુ હિંમત હાર્યા નથી. ગત ફેબ્રુઆરી મહિનાથી રશિયાએ યુક્રેન પર તાબડતોબ હુમલા ચાલું કર્યા ત્યારે રાજધાની કીવ, ખારકીવ અને ચેર્નિહીવ શહેરોને પ્રથમ ટાર્ગેટ કર્યા હતા. માત્ર ૩૦૦ લોકોની વસ્તી ધરાવતા યાહિદને ગામને પણ છોડવામાં આવ્યું ન હતું. બોંબમારાથી બચવા ગ્રામવાસીઓ એક ભુગર્ભ સ્થળે આશરો લેવો પડયો. અંદાજે ૩ મહિના સુધી ખૂબજ કપરો સમય પસાર કર્યો. ભૂખ,અગવડતા અને તણાવથી ૧૧ લોકોના મુત્યુ થયા હતા. ગામમાં આવી ને જોયું તો કયારેય જોયો ના હોય તેવો વિનાશ વેરાયેલો હતો. હવે ગ્રામવાસીઓના આઘાત અને ઘા પર મલમ લગાડવા યુક્રેનના એજયુકેટેડ યુવાનોની ટીમે ધામા નાખ્યા છે. સંગીતના સાધનોથી સજ્જ યુવાઓ ડીજે વગાડીને ગામ લોકોનો ઉત્સાહ વધારે છે. સંગીતના કાર્યક્રમો થકી ખોવાઇ ગયેલી આશાને જાણે કે ફરી સજીવન કરી રહયા છે. તેઓ પહેલા તો લોકોના આંસુ લૂછીને ચહેરા પર સ્મિત લાવવા ઇચ્છે છે. સંગીત ઉપરાંત ઠેર ઠેર વેરાયેલો કાટમાળ દૂર કરવા મદદ કરે છે. 

(5:48 pm IST)