દેશ-વિદેશ
News of Monday, 3rd October 2022

નાઇજીરિયામાં ફાટેલા પેરાશૂટથી નીચે કુદેલ જવાન ખાબકતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત

નવી દિલ્હી: નાઈજીરિયામાં સ્વતંત્રતા દિવસની ઉજવ ણી નિમિત્તે સૈનિકો પેરાશૂટમાંથી કરતબ બતાવવા કૂદ્યા હતા, પરંતુ ફાટેલા પેરાશૂટના કારણે રસ્તા પર, વૃક્ષો પર ખાબક્યા હતા. કેટલાકને ઈજા પણ પહોંચી હતી. નાઈજીરિયાના સ્વતંત્રતા દિવસ નિમિત્તે સૈન્યના પેરાટ્રૂપર્સ વિમાનમાંથી પેરાશૂટમાં નીચે કૂદ્યા હતા. પરંતુ પેરાશૂટ ફાટેલા હોવાથી તેમની સ્થિતિ વિકટ થઈ ગઈ હતી. બધા જ સૈનિકો એક પછી એક અલગ અલગ સ્થળોએ ખાબક્યા હતા. કોઈ કાર પર પડયા હતા, તો કોઈ વૃક્ષોમાં અટવાઈ ગયા હતા. કોઈ વળી રસ્તામાં લોકો ઉભા હતા ત્યાં આવીને પડયા હતા. લોકોએ પણ આ ઘટનાનો વીડિયો બનાવ્યો હતો. કેટલાક પેરાટ્રૂપર્સ લોકો ઉભા હતા એવા સ્થળોએ ખાબકતા હોહા મચી ગઈ હતી. પેરાટ્રુપર્સ લેન્ડિંગ ઝોનથી બહાર પડયા તે પાછળ પેરાશૂટમાં પડેલા ગાબડા જવાબદાર હતા. ઈજાગ્રસ્ત બનેલા સૈનિકોને સ્થાનિક લોકોએ તુરંત હોસ્પિટલ પહોંચાડયા હતા. સૈનિકો અગાઉથી જ ફાટેલા પેરાશૂટમાંથી કૂદ્યા હશે કે પછી નબળી ગુણવત્તાના કારણે હવા ઝીલી ન શકતા પેરાશૂટ ઉપરથી જ ફાટી ગયા હશે - તે બાબતે અટકળો થઈ હતી. જોકે, સૈન્યએ તે મુદ્દે સ્પષ્ટતા કરી ન હતી.

(5:32 pm IST)