દેશ-વિદેશ
News of Monday, 3rd October 2022

લાઇમેન શહેર પર યુક્રેને કબ્જો કરી લેતા રશિયા છંછેડાયુ હોવાની માહિતી

નવી દિલ્હી: યુક્રેને લાઇમેન શહેર પર ફરીથી કબજો મેળવી લીધા પછી રશિયાએ આજે યુક્રેન પ્રમુખના હોમટાઉન અને અન્ય લક્ષ્યાંકો પર આત્મઘાતી ડ્રોનની મદદથી હુમલા કર્યા હતાં. લાઇમેન યુક્રેનનો બીજું સૌથી મોટું શહેર છે અને મહત્ત્વપૂર્ણ પરિવહન કેન્દ્ર ખારકીવથી ૧૬૦ કિમી દક્ષિણ પૂર્વમાં છે. આ શહેરમાંથી રશિયાના ૫૦૦૦ થી ૬૦૦૦ સૈનિકોને પીછેહઠ કરવાની ફરજ પડી છે. લાઇમેન ફરીથી યુક્રેનના હાથમાં જતા રહેતા ક્રિમલીનની મુશ્કેલીમાં ફરી એક વખત વધારો થયો છે. લાઇમેન ગુમાવવાથી રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતીનને પોતાના દેશમાં આકરી ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. યુક્રેનના પ્રમુખ ઝેલેનસ્કીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેમના દળોએ ફરીથી લાઇમેન પર કબજો જમાવી લીધો છે. તેમણે વીડીયો જારી કરી જણાવ્યું છે કે લાઇમેન પર સંપૂર્ણપણે કબજો મેળવી લેવામાં સફળતા મળાી છે. આપણા સૈનિકોનો ખૂબ જ આભાર. દક્ષિણ યુક્રેનમાં ઝેલેન્સ્કીના મૂળ વતન ક્રીવ્યી રીહમાં રશિયા રવિવાર સવારથી જ આત્મઘાતી ડ્રોનથી હુમલા કરી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર રશિયાના આત્મઘાતી ડ્રોનને એક શાળાની બિલ્ડિંગને નુકસાન થયું છે અને બે માળની ઇમારત ધ્વસ્ત થઇ ગઇ છે. શનિવાર રાતના સંબોધનમા ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે છેલ્લા એક સપ્તાહમાં ડોનબાસમાં યુક્રેનના ધ્વજ વધુ પ્રમાણમાં જોવા મળ્યા છે.એક સપ્તાહ પછી આનાથી પણ વધુ યુક્રેનના ધ્વજ જોવા મળશે.

(5:32 pm IST)