દેશ-વિદેશ
News of Monday, 4th July 2022

અચાનક દિલ તૂટતાં આ યુવાને 38 દેશોનો પગપાળા પ્રવાસ કરી નાખ્યો

નવી દિલ્હી: અમેરિકાના ન્યૂજર્સીમાં રહેતા ટોમ ટર્કિચે તેના ડોગ સાથે પગપાળા 38 દેશનો પ્રવાસ કર્યો. 7 વર્ષના આ પ્રવાસમાં ટોમની સાથે ગયેલા ડોગ સવાનાએ વર્લ્ડ રેકોર્ડ સર્જી દીધો. અંદાજે 48 હજાર કિ.મી.ના આ પ્રવાસમાં ટોમ સમક્ષ ઘણા પડકારો આવ્યા પણ તેણે પ્રવાસ રોક્યો નહીં. ટોમ કહે છે કે તેણે આ પ્રવાસ 5 વર્ષમાં જ પૂરો કરી લીધો હોત પણ કોરોના મહામારી અને પોતાની બીમારીને કારણે તેને 2 વર્ષ વધારે લાગ્યા. પ્રવાસે પગપાળા નીકળવા પાછળ ટોમની કહાની પણ છે, જેણે તેને આ પ્રવાસ માટે પ્રેરણા આપી. વાત એમ છે કે ટોમની ગર્લફ્રેન્ડ મૅરીનું 2006માં એક દુર્ઘટનામાં મોત થતાં તેનું દિલ તૂટી ગયું હતું. તેને લાગ્યું કે જિંદગી ટૂંકી છે. તેણે દુનિયા ફરવાનું નક્કી કર્યું અને ફંડ એકત્ર કરવાનું શરૂ કરી દીધું. કોલેજકાળમાં ઉનાળાના વેકેશનમાં કામ કરીને તેણે 2 વર્ષ સુધી ફરવા માટે નાણાં ભેગાં કરી લીધા. 2015માં પોતાના 26મા જન્મદિને ટોમે પ્રવાસ શરૂ કર્યો. ટોમનું કહેવું છે કે આ પ્રવાસમાં તેણે ઘણા ઉતાર-ચઢાવ જોયા. તુર્કી-ઉઝબેકિસ્તાનમાં લોકોએ ટોમને શાદીઓમાં આમંત્રિત કરીને પરિવારની ખુશીઓમાં તેને સહભાગી બનાવ્યો. ટોમે પગપાળા વિશ્વભ્રમણ કરીને વર્લ્ડ રેકોર્ડ સર્જનારા ન્યૂમેનની કહાનીથી પ્રેરિત થઇને જ દુનિયા ફરવાનું નક્કી કર્યું હતું. તેના પ્રવાસને ટેક્નિકલ કારણોસર વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન નથી અપાયું પણ તેનો ડોગ પગપાળા આટલી લાંબી મુસાફરી કરનારું પહેલું પ્રાણી બની ગયો.

(5:23 pm IST)