દેશ-વિદેશ
News of Wednesday, 4th August 2021

ઓસ્ટ્રેલિયાનું સ્ટાર્ટઅપ અંદાજે 2.15 લાખ કરોડ રૂપિયામાં વેચાયું હોવાની માહિતી

નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયાનું સ્ટાર્ટઅપ ‘આફ્ટર પે’ ‘હાલ ખરીદો અને ચુકવણી પછી કરો’ની સુવિધા આપતું હોવાથી એટલું મશહૂર થયું કે કરોડો લોકો તેનો ઉપયોગ કરવા લાગ્યા. 7 વર્ષ અગાઉ શરૂ થયેલું આ સ્ટાર્ટઅપ હવે 29 અબજ ડોલર (અંદાજે 2.15 લાખ કરોડ રૂ.)માં વેચાઇ ગયું છે. તેને ટ્વિટરના સીઇઓ જેક ડોર્સીની કંપની ‘સ્ક્વેર’એ ખરીદયું છે. આ ઓસ્ટ્રેલિયામાં અત્યાર સુધીનો સૌથી મોટો સોદો હોવાનું કહેવાય છે. તે ગ્રાહકોને નાની-નાની ખરીદી પણ હપ્તેથી કરવાની સુવિધા આપે છે.તે ક્રેડિટકાર્ડ જેવું હોય છે પણ તેમાં હપ્તેથી ચુકવણી સામે કોઇ વ્યાજ નથી ચૂકવવું પડતું કે જોડાવાનો કોઇ ચાર્જ પણ નથી. ખર્ચની લિમિટ ઓછી જ રખાય છે. જોકે, ચુકવણીમાં વિલંબ કરનારાઓએ તેનો અમુક દંડ ચૂકવવો પડે છે. આફ્ટર પેની સ્થાપના 2014માં ઓસ્ટ્રેલિયાના એન્થની આઇસેન અને નિક મોલનારે કરી હતી. ‘આફ્ટર પે’ યુવા વર્ગમાં ઘણું લોકપ્રિય થયું. હવે તો તે ઓસ્ટ્રેલિયા ઉપરાંત અમેરિકા, કેનેડા, બ્રિટન, ફ્રાન્સ અને ઇટાલીમાં પણ કાર્યરત છે. વિશ્વભરમાં તેના 1.6 કરોડથી વધુ ગ્રાહકો છે અને અંદાજે 1 લાખ વેપારીઓ તેનો ઉપયોગ કરે છે.

(5:52 pm IST)