દેશ-વિદેશ
News of Wednesday, 4th August 2021

ગુજરાતમાં ઉગાવેલ ડ્રેગન ફ્રૂટની સૌથી પહેલી નિકાસ લંડન અને બહેરીનમાં કરી હોવાની માહિતી

નવી દિલ્હી: ગુજરાત અને પશ્ચિમ બંગાળના ખેડૂતોએ પકવેલા રેષા અને ખનીજ તત્વોથી ભરપૂર વિદેશી ફ્રૂટ 'ડ્રેગન ફ્રૂટ'ની નિકાસને મોટું પ્રોત્સાહન મળ્યું છે. આ ફ્રૂટની નિકાસ પહેલીવાર બ્રિટનના લંડન અને બહેરિનમાં થઈ છે. ભારતમાં ડ્રેગન ફ્રૂટને કમલમ પણ કહેવામાં આવે છે. જ્યારે લંડન નિકાસ થયેલા વિદેશ ફ્રૂટનો જથ્થો ગુજરાતના કચ્છ વિસ્તારના ખેડૂતો પાસેથી મેળવવામાં આવ્યો હતો અને ગુજરાતના ભરૂચમાં APEDA રજિસ્ટર્ડ પેકહાઉસ દ્વારા નિકાસ થઈ હતી, ત્યારે બહેરિન નિકાસ થયેલા ડ્રેગન ફ્રૂટનો જથ્થો પશ્ચિમ મિદનાપોર (પશ્ચિમ બંગાળ)માં ખેડૂતો પાસેથી મેળવવામાં આવ્યો હતો અને કોલકાતામાં APEDA રજિસ્ટર્ડ કંપનીએ એની નિકાસ કરી હતી.

જૂન, 2021ની શરૂઆતમાં મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાના તડસર ગામના ખેડૂતો પાસેથી ડ્રેગન ફ્રૂટનો જથ્થો મળ્યો હતો, જેને APEDAની માન્યતાપ્રાપ્ત નિકાસકાર દ્વારા દુબઈમાં નિકાસ થઈ હતી. ભારતમાં ડ્રેગન ફ્રૂટનાં ઉત્પાદનનો પ્રારંભ 1990ના દાયકાની શરૂઆતમાં થયો હતો અને એનું વાવેતર ઘરના બગીચામાં થતું હતું. એની ઊંચી નિકાસ મૂલ્યને કારણે વિદેશી ડ્રેગન ફ્રૂટ દેશમાં છેલ્લાં થોડાં વર્ષોમાં અતિ લોકપ્રિય થયું છે અને વિવિધ રાજ્યોમાં ખેડૂતોએ એની ખેતી શરૂ કરી છે. ડ્રેગન ફ્રૂટની મુખ્ય ત્રણ જાત છેઃ ગુલાબી કવચ સાથે વ્હાઇટ ફ્લેશ, ગુલાબી કવચ સાથે રેડ ફ્લેશ અને પીળા કવચ સાથે વ્હાઇટ ફ્લેશ. જોકે ઉપભોક્તાઓ રેડ અને વ્હાઇટ ફ્લેશને વધારે પસંદ કરે છે.

(5:54 pm IST)