દેશ-વિદેશ
News of Saturday, 4th December 2021

અફઘાનિસ્તાનમાં મહિલાઓ પર લગાવવામાં આવેલ આ પ્રતિબંધ હટાવવામાં આવ્યો

નવી દિલ્હી: મહિલા વિરોધી નિર્ણયો લેનારા તાલિબાને હવે મહિલાઓના તરફેણમાં એક નિર્ણય લીધો છે. તાલિબાને અફઘાનિસ્તાનમાં બળજબરીથી થતા લગ્નો પર પ્રતિબંધ મુકી દીધો છે. વિકસિત દેશોના દબાણ બાદ તાલિબાને આ પ્રકારના નિર્ણયો લેવાનું શરૂ કર્યું છે.  

ઘણા દેશોએ અફઘાનિસ્તાનમાં તાલિબાનની સરકારને માન્યતા આપવાની ના પાડી દીધી હતી. સાથે એવી માગ કરી હતી કે તાલિબાને એક લોકશાહી શાસન મુજબ કામ કરવું પડશે. અફઘાનિસ્તાનમાં તાલિબાને સત્તા મેળવ્યા બાદ ગરીબીનું પ્રમાણ વધ્યું છે.

ઘણા પરિવાર પોતાની પુત્રીઓને નાની વયે જ વેચવા લાગ્યા છે અને તેની ખરીદી લગ્નો માટે થઇ રહી છે. જ્યારે બળજબરીથી થતા લગ્નોનું પ્રમાણ પણ વધ્યું છે. જેના પર હાલ તાલિબાને પ્રતિબંધ મુક્યો છે. તાલિબાનના ટોચના નેતા હિબતુલ્લાહ અખુનઝાદાએ કહ્યું હતું કે મહિલાઓ અને પુરૂષો બન્નેને સમાન અિધકાર મળવા જોઇએ. મહિલાઓને લગ્ન માટે કોઇ પણ પ્રકારનું દબાણ ન થવું જોઇએ. જોકે મહિલાના લગ્ન માટેની ઓછામાં ઓછી વય મર્યાદા કેટલી હોવી જોઇએ તેની કોઇ સ્પષ્ટતા કરવામાં નથી આવી. અગાઉ વય મર્યાદા 16 વર્ષની રાખવામાં આવી હતી. અફઘાનિસ્તાનમાં મહિલાઓ સાથે વર્ષોથી ભેદભાવ થઇ રહ્યા છે. જોકે હજુ પણ અફઘાનિસ્તાનમાં તાલિબાન દ્વારા મહિલાઓના શિક્ષણ પર પ્રતિબંધો મુકવામાં આવ્યા છે.

 

(6:15 pm IST)