દેશ-વિદેશ
News of Thursday, 5th August 2021

બર્થ કંટ્રોલ કરવા માટે વૈજ્ઞાનિકોએ શોધી નવી ગર્ભનિરોધક રીત

હવે 'સાધન 'અને નસબંધી વગર પુરૂષો પણ સરળતાથી બર્થ કંટ્રોલ કરી શકશે

બીજીંગ,તા.૫ : ઝડપથી વધતી જતી વસ્તીની સમસ્યા વચ્ચે પરિવાર નિયોજન માટે સરકાર સતત લોકોને જાગૃત કરી રહી છે. પરંતુ આજના સમયમાં પણ તેના વિકલ્પોની અછત ઉપર પણ ચર્ચા થાય છે. જેમ કે અનિચ્છનીય ગર્ભધારણને રોકવા માટે મહિલાઓ પાસે તો અનેક વિકલ્પ છે પરંતુ પુરુષો ફકત કોન્ડોમ કે પછી નસબંધીનો જ સહારો લઈ શકે છે. એટલે કે પુરુષો પાસે બર્થ કંટ્રોલ કરવા માટે તેના સિવાય કોઈ વિકલ્પ નથી પરંતુ હવે આ અંગે એક મોટી શોધ થઈ હોવાનો દાવો કરાયો છે.

હવે કોન્ડોમ અને નસબંધી વગર પુરુષો પણ સરળતાથી બર્થ કંટ્રોલ કરી શકશે. ચીનના વૈજ્ઞાનિકોએ પુરુષો માટે નવી ગર્ભનિરોધક રીત શોધી કાઢી છે. અમેરિકી સાયન્સ મેગેઝીન 'નેનો લેટર્સ' માં છપાયેલા એક રિપોર્ટમાં ચીનના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે તેમણે પુરુષો માટે 'રિવર્સિબલ  ચુંબકીય બાયોડિગ્રેડેબલ નેનોમટિરિયલ્સ' વિકિસત કરી છે. તેના પ્રયોગથી પુરુષ ૩૦ દિવસ સુધી બર્થ કંટ્રોલ કરી શકે છે.

આ નવી ગર્ભનિરોધક રીતનું ઉંદરો પર સફળ પરીક્ષણ થયું છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ હાઈ ટેમ્પરેચર પર સ્પર્મનું પ્રોડકશન થઈ શકતું નથી આથી આ પ્રયોગ મેલ રેટની બહારની સ્કિન પર કરવામાં આવ્યો.

નવા રિસર્ચ મુજબ વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે બાયોડિગ્રેડેબલ આયર્ન ઓકસાઈડ નેનો પાર્ટિકલ્સના બે સ્વરૂપોનું ટેસ્ટિંગ કરાયું. તેને ચુંબક સાથે લગાવીને ગરમ કરી શકાય છે. એક નેનોપાર્ટિકલ પર પોલીઈથાઈલીન ગ્લાઈકોલ (PEG) અને બીજા પર સાઈટ્રિક એસિડનો લેપ લગાવવામાં આવ્યો. આ પ્રયોગ માટે વૈજ્ઞાનિકોએ બે દિવસ સુધી ઉંદરોને સાઈટ્રિક એસિડ લેપિત નેનોપાર્ટિકલના અનેકવાર ઈન્જેકશન આપ્યા.

રિસર્ચ દરમિયાન જાણવા મળ્યું કે આ પ્રયોગ બાદ ઉંદરોના સ્પર્મ ૩૦ દિવસ સુધી સંકોચાઈ ગયા. ૩૦ દિવસ બાદ ધીરે ધીરે તેમના સ્પર્મ પ્રોડકશનમાં સુધારો થવા લાગ્યો. આ પ્રયોગ બાદ સાતમા દિવસથી જ ઉંદરીઓની પ્રેગ્નેન્સી અટકી ગઈ.

આ નવી રીતની ખાસિયત એ છે કે થોડા સમય બાદ સ્પર્મ પ્રોડકશન સામાન્ય થઈ જાય છે. રિસર્ચમાં દાવો કરાયો છે કે ૬૦માં દિવસથી માદા ઉંદરો એટલે કે ઉંદરીની પ્રેગ્નેન્સી ક્ષમતા પાછી આવવા લાગી. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ નેનોપાર્ટિકલ્સ હાનિકારક નથી. તેમને સરળતાથી શરીરની બહાર કાઢી શકાય છે.

(10:30 am IST)