દેશ-વિદેશ
News of Saturday, 5th September 2020

એરક્રાફટમાં બેઠા હો એવો અનુભવ કરાવતી રેસ્ટોરાં બની છે નાઇજીરિયામાં

લંડન,તા.૫ : નાઈજીરિયાના પાટનગર અબુજાના 'અર્બન એર' નામની એક રેસ્ટોરાંમાં વિમાનના આંતરિક માહોલ જેવું ઇન્ટીરિયર ડેકોરેશન હોવાથી લોકોને 'ફ્લાઇટમાં લંચ' કે 'ફ્લાઇટમાં ડિનર' લેવાનો અનુભવ થાય છે. સ્થાનિક ચલણ નાયરામાં લોકોને આ રેસ્ટોરાં ખૂબ મોંઘી પણ લાગતી નથી. એના મેન્યૂની મિનિમમ પ્રાઇસ ૨૦૦૦ નાયરા એટલે કે ૩૭૯ રૂપિયાથી શરૂ થાય છે. એ રેસ્ટોરાંના રસોડાની સજાવટ વિમાનના કોકપિટ જેવી છે. ઘણા ગ્રાહકો એ કોકપિટ રસોડામાં જઈને પીરસણિયાઓ, રસોઈયાઓ, વેઈટર્સની સાથે સેલ્ફી લેતા હોય છે. બારી પાસે ગોઠવાયેલા મેન્યૂની ઉપર અને ફરતે ભૂરા આકાશ અને વાદળાંની ડિઝાઇન જમવા બેઠેલા લોકોના મનમાં હવામાં ઊંચે ઊડતા હોવાનો મૂડ બનાવે છે. ખાસ કરીને જે લોકો વારંવાર પ્રવાસ કરતા હોય અને કોરોના રોગચાળામાં દેશ-વિદેશના પ્રવાસનો સિલસિલો અટકી ગયો હોય તેમને આ રેસ્ટોરાંમાં જમવાથી ઘણો સધિયારો મળે છે. રેસ્ટોરાંના માલિકે આવા વિશિષ્ટ પ્રકારના ઇન્ટીરિયર ડિઝાઇનિંગ માટે એક કરોડ નાયરા એટલે કે ૧૯.૨૩ લાખ રૂપિયાનો ખર્ચ કર્યો છે.

(2:38 pm IST)