દેશ-વિદેશ
News of Monday, 7th September 2020

કપડા વગર અઢી કલાક બરફની પેટીમાં રહીને પોતાનો જ રેકોર્ડ તોડયો

લંડન, તા.૭: ઓસ્ટ્રિયામાં રહેતા જોસેફ કોએબેર્લએ બરફના ટુકડાઓથી ભરેલા બોકસમાં લગભગ અઢી કલાક વિતાવીનો પોતાનો જ અગાઉનો રેકોર્ડ તોડ્યો હતો. જોસેફ કોએબેર્લનો પોતાનો બિઝનેસ છે. તેમણે શનિવારે ખભા સુધી બરફથી ભરેલા કાચના બોકસમાં બે કલાક ૩૦ મિનિટ અને ૫૭ સેકન્ડ જેટલો સમય વિતાવ્યો હતો. આટલો લાંબો સમય બરફમાં રહ્યા પછી પણ તેમના શરીરનું તાપમાન તેણે પોતાની બ્રીધિંગ પેટર્ન અને વિચારોની શકિત દ્વારા કન્ટ્રોલ કર્યુ હતું.

જોસેફ કોએબેર્લનું કહેવું હતું કે બરફમાં લોહી અને શરીર ઠંડું ન પડી જાય એ માટે તેમણે સંપૂર્ણ ધ્યાન સકારાત્મક વિચારો પર લગાવ્યું હતું જેના કારણે તેમને ઠંડીનો અહેસાસ પણ નહોતો થયો. એના લીધે તેઓ બરફના બોકસમાં વધુ સમય વિતાવી શકયા.

બરફના બોકસમાં જોસેફે ગયા વર્ષ કરતાં અડધો કલાક વધુ સમય વિતાવીને પોતાનો જ રેકોર્ડ બ્રેક કર્યો હતો.

(3:57 pm IST)